Mysamachar.in-અમદાવાદ:
ચૂંટણી એક અજીબ પ્રકારનો જલસો હોય છે. વિવિધ રાજકીય પક્ષોનાં મહાનુભાવો ‘રાજાપાઠ’ માં હોય છે ! અને, દરેક પક્ષનાં કાર્યકર્તાઓ એમ જ માનતાં હોય છે કે, બસ હવે થોડાં જ દિવસો, પછી આપણે રાજા!! જો કે આ પ્રકારનો નશો સૌનાં ઉમંગ અને સક્રિયતા માટે જરૂરી હોય છે. સપનાઓનું વાવેતર માણસમાં રહેલી જિવંત આશાનું પ્રતિક હોય છે. ગુજરાત કોન્ગ્રેસ દ્વારા પણ આવો એક આશાવાદ ઘડિયાળનાં પ્રતિકથી વ્યક્ત કરવામાં આવ્યો છે. અત્રે જોઈએ: શું છે આ ઘડિયાળ ?!
અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ( રાજીવ ગાંધી ભવન)ખાતે એક કાઉન્ટ ડાઉન ઘડિયાળ ગોઠવવામાં આવી છે. આ ઘડિયાળ જયારે બધાં જ આંકડાઓ ઝીરો દેખાડશે ત્યારે ગુજરાતમાંથી ભાજપાની વિદાય થઈ ચૂકી હશે. આ ઘડિયાળ રાજીવ ભવન નજીકથી પસાર થતા દરેક નાગરિકો જોઈ શકે તે રીતે લગાડવામાં આવી છે. આઠમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ છે. આઠમી ડિસેમ્બર આવવામાં હવે કેટલો સમય બચ્યો છે તેનાં આંકડા આ ઘડિયાળમાં દર્શાવવામાં આવ્યા છે અને કાઉન્ટ ડાઉન શરૂ કરવામાં આવ્યું છે. કોન્ગ્રેસ કહે છે: આ ઘડિયાળ ભાજપાની વિદાય દર્શાવે છે. ભાજપાનો ગુજરાતમાં હવે કેટલો સમય બચ્યો છે ? તે આ ઘડિયાળમાં આંકડાથી દર્શાવવામાં આવ્યું છે.
કોન્ગ્રેસ કહે છે: રાજસ્થાનમાં અમે વિપક્ષમાં હતાં ત્યારે આવી કાઉન્ટ ડાઉન ઘડિયાળ ગોઠવવામાં આવી હતી અને દર્શાવવામાં આવ્યું હતું કે, ભાજપાની સરકારની વિદાયનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. પછી રાજસ્થાનમાં ભાજપા સરકારની વિદાય થઈ અને કોન્ગ્રેસ સત્તામાં આવી. એ જ રીતે ગુજરાતમાં પણ વર્તમાન સરકારની હવે કેટલી અવધિ બચી છે ?! તે દર્શાવવા આ કાઉન્ટ ડાઉન ઘડિયાળ ગોઠવવામાં આવી છે. કોન્ગ્રેસ દાવો કરે છે કે, આ ઘડિયાળમાં બધાં જ આંકડાઓ ઝીરો ઝીરો દર્શાવશે ત્યારે ગુજરાતમાંથી ભાજપા સરકાર વિદાય લેશે. આ ઘડિયાળ કાલે મંગળવારે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમના હસ્તે લોકો સમક્ષ ખૂલ્લી મૂકવામાં આવી.
પી. ચિદમ્બરમ્એ લોકોને કહ્યું: આ વખતે તમારાં મતથી સરકાર બદલી નાંખો. કોન્ગ્રેસની સિદ્ધિઓ અંગે આપ સૌ બધું જાણો છો. કોન્ગ્રેસનો ઈતિહાસ તમે સૌ જાણો છો. પરિવર્તન માટે લોકો મતદાન કરે એવો અનુરોધ ચિદમ્બરમ દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે ગુજરાત કોન્ગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા સહિતનાં મહાનુભાવો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. કોન્ગ્રેસ કહે છે: ભાજપા સરકારનો સમય હવે પૂરો થાય છે.