Mysamachar.in-ગુજરાત:
ગુજરાત ભાજપાનાં ગઢ તરીકે સમગ્ર દેશમાં જાણીતું છે. કારણ કે, રાજ્યમાં 1995થી ભાજપા સતત સત્તામાં છે. કોન્ગ્રેસ ભાજપાને હરાવી શકતી નથી તેથી રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર ખફા છે. અને, ગુજરાતમાં થોડાં થોડાં સમયે કોન્ગ્રેસનું સુકાન બદલાયા કરે છે, એક પણ પ્રદેશ પ્રમુખ પક્ષને ભાજપા સામે ટક્કર લઈ શકે તેટલો મજબૂત બનાવી શક્યા નથી પરંતુ 1998થી આંકડાઓ સતત કોન્ગ્રેસની ફેવરમાં જઈ રહ્યા છે. ભાજપાને સતત ઘસારો લાગી રહ્યો છે, કોન્ગ્રેસની ટોપલીમાં વધુને વધુ મતો પડી રહ્યા છે. ગત્ 2017ની ચૂંટણીમાં ભાજપા માંડ માંડ વિજય સુધી પહોંચી શકી.
ગુજરાતનાં 89 વિધાનસભા વિસ્તારોમાં આગામી પહેલી ડિસેમ્બરે મતદાન થશે. આ વખતે પણ કોન્ગ્રેસ જમ્પ લગાવી શકશે ? કે, આમ આદમી પાર્ટી કોન્ગ્રેસના હવનમાં હાડકાં નાંખશે ? ભાજપા પોતાનું ધોવાણ અટકાવી શકશે ? વગેરે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.
2017માં કોન્ગ્રેસ અને ભાજપા બંને પાર્ટીઓ પાંચ પાંચ બેઠકો એવી જિતી હતી, જેમાં હારજિતનો તફાવત માત્ર 1,000 મતનો હતો ! આ દસ બેઠકો પર આ વખતે ત્રીજાં પક્ષની હાજરીમાં શું થશે ?! એ ચિંતા બંને પક્ષોને સતાવી રહી છે. આ ઉપરાંત 2017ની ચૂંટણીમાં 27 બેઠકો એવી પણ હતી જેમાં હારજિતનો તફાવત માત્ર પાંચ હજાર મતો સુધીનો હતો ! જેમાં અપક્ષો તથા NOTAએ ભાગ ભજવ્યો હતો. આ વખતે વધારામાં ત્રીજો પક્ષ પણ છે !! આમ, આ કુલ 37 બેઠકો પર નવાજૂનીની સંભાવનાઓ છે.
1998થી અત્યાર સુધીમાં વિધાનસભાની કુલ પાંચ ચૂંટણીઓ થઈ.કોન્ગ્રેસને મળતાં મતો અને બેઠકો સતત પચ્ચીસ વર્ષથી વધે છે. ભાજપાની બેઠકો સતત ઘટી રહી છે. ભાજપા આ ઘસારો કેવી રીતે અટકાવશે?! ઉપરાંત લાંબા શાસનને કારણે શાસનવિરોધી પરિબળો પણ વધી રહ્યા છે. અને, આમ આદમી પાર્ટી રાજ્યનાં તમામ વિસ્તારોમાં છેક ઉંડે સુધી પગપેસારો કરી રહી હોય, બંને મુખ્ય રાજકીય પક્ષો તણાવ અનુભવી રહ્યા છે. જોઈએ હવે, આ ચૂંટણીમાં મતદાન કેવુંક થાય છે ? અને, કોની તરફેણમાં થાય છે ? મતો ત્રણ પક્ષો વચ્ચે વેચાઈ જશે તો ચુકાદો ખંડિત પણ આવી શકે !