Mysamachar.in-જામનગર:
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં છે,ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા અને કોંગ્રેસની ટીમ એકજૂટ થઈને ગામેગામના પ્રવાસ દરમિયાન કોંગ્રેસની વાત લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે,જેના કારણે આ વખતે ખરાખરીના ચૂંટણી જંગનુ સ્પષ્ટ ચિત્ર જામનગર બેઠક પર જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસ હરીફાઈમાં આવીને જામનગર લોકસભાની બેઠક પર કબજો કરવા માટે જીતની નજીક પહોંચી ગઈ છે,તેવું છેલ્લા દિવસોમાં કોંગ્રેસ તરફી જબરો જનમત ઉભો થતા લાગી રહ્યું છે,જેની સામે ભાજપને જીતવુ મુશ્કેલ હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે,

ગામે-ગામ કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાએ લોકસંપર્ક કાર્યક્રમ પુર્ણ કર્યા બાદ જામનગર શહેરમાં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે મુળુભાઇ કંડોરીયા, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, સ્થાનિક કોર્પોરેટરો સહિતના કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા વિવિધ વિસ્તારોમાં લોકસંપર્કની શરૂઆત કરી છે અને વોર્ડ નં.૬માં આવેલ મયુરનગર પ્રજાપતિ જ્ઞાતીની વાડીની બાજુમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મુળુભાઇ કંડોરીયાને ફુલહાર કરીને આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત સાથે આવકાર આપવામાં આવ્યો હતો,જામનગર શહેરમાં સભાઑ દરમ્યાન કોઇ પણ જાતના તાયફા વગર મુળુભાઇ કંડોરીયા સભામાં ઉપસ્થિત પુરુષો અને મોટી સંખ્યામાં હાજર રહેલ મહિલાઓ સાથે સીધો જ સંવાદ કરીને જણાવ્યું હતું કે,ભાજપ સરકારના શાસનમાં અર્થતંત્ર ખાડે ગયું છે,જેના કારણે શહેરી વિસ્તારમાં વસવાટ કરતા મધ્યમવર્ગ પરિવારોને મોંઘવારીનો સામનો કરવો પડે છે અને ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે,સાથોસાથ શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવતા આજે બાળકોના અભ્યાસ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે તે ભાજપની દેન છે, તેવા આક્ષેપ સાથે ટકોર કરી હતી, જ્યારે શહેરના હજારો યુવાનો બેકારીના ખપ્પરમાં હોમાઈને ન કરવાનું કરી બેસે છે તેના માટે કોણ જવાબદાર છે તે વિચારવાનો સમય આવી ગયો છે,

ત્યારે ભાજપ આંબાઆંબલી દેખાડીને શહેરી વિસ્તારના મતો મેળવવા માટે વાયદા કરીને પણ નિભાવતા નથી,તે જનતા સારી રીતે જાણી ગઈ છે,ત્યારે અઢી દાયકા સુધી વિકાસના નામે ભાજપ જનતા પર રાજ કર્યું છે.છતાં સામાન્ય જીવનધોરણમાં કોઈ ફેર પડ્યો નથી,તેવું અનુભવાઈ રહ્યું છે, તેવામાં આ વખતે જનતા આક્રોશ બતાવીને ભાજપને તમાચો મારવાની જરૂર છે જેની સામે કોંગ્રેસ આવશે તો જનતાની સરકાર બનશે તેવી ખાતરી આપવામાં આવી હતી,સભા દરમિયાન વિક્રમ માડમ, નયનાબા જાડેજા, સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહીને જંગી જાહેર સભામાં અપીલ કરી હતી કે, જામનગરની પ્રજા જાગૃત અને હોશિયાર છે,ત્યારે મુળુભાઇ કંડોરીયાને તક આપવાની સાથે જંગી મતદાન કરવા પર ભાર મૂક્યો હતો,જામનગરમાં બે દિવસના પ્રવાસ દરમિયાન મુળુભાઇ કંડોરીયા વિસ્તારોમાં કોંગ્રેસના આગેવાનો સાથે લોકસંપર્ક હાથ ધરતા વેપારી સહિતના આગેવાનો દ્વારા તેમનું આવકાર સાથે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત જામનગર શહેરના વેપારીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કરીને હાપા માર્કેટિંગ યાર્ડ પાસે સતવારા સમાજના આગેવાનો સાથે, ખોજાનાકા પાસે સંધી મુસ્લિમ જમાતના આગેવાનો સાથે, ઓશવાળ સેન્ટર ખાતે જૈન સમાજના અગ્રણીઓ સાથે બેઠકો યોજવામાં આવી હતી,

શુક્રવારના રોજ રામેશ્વર વિસ્તારમાં પદયાત્રા કરીને લોકસંપર્ક કર્યો હતો,ત્યારબાદ દિગ્વિજય પ્લોટ ખાતે હનુમાન જયંતી નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપીને હનુમાનદાદાના આશીર્વાદ મેળવીને કોંગ્રેસના કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,જે બાદ શંકર ટેકરી ખાતે જાહેર સભા યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના કાર્યકરો આગેવાનો અને જનતા જનાર્દન સ્વયંભૂ ઉપસ્થિત રહીને કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને સમર્થન આપ્યું હતું,ઉપરાંત જુના નાગના અને નવાનાગનામા પણ સભાનું આયોજન કરવામાં આવતા કોંગ્રેસને ધારી એવી સફળતા મળી રહી છે,આમ ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસે પ્રચાર અભિયાન દરમિયાન સ્થાનિક મુદ્દા ઉઠાવીને લોકોના દિલ જીતી લીધા છે.ત્યારે જામનગરમાં પણ મુળુભાઇ કંડોરીયા અને કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો એક પછી એક વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી રહી છે, ત્યારે જામનગરના વિવિધ સમાજના આગેવાનો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા તરફેણમાં જુકાવ જોવા મળી રહ્યો છે,હાલ સોશ્યલ મીડિયાનો યુગ હોય મુળુભાઇએ તેનો પણ ઉપયોગ કરીને ગઇકાલે બપોરે પોતાના ફેસબુક પેઇજ પર LIVE જનતા જનાર્દન સાથે સંપર્ક કરીને પોતાની વાત રજૂ કરી હતી.જેમાં વર્તમાન સરકાર ઘણી બાબતોમાં નિષ્ફળ નીવડી હોવાના દાખલા આપ્યા હતા,જેમાં જમીન માપણીથી માંડીને વડાપ્રધાન ફસલવીમા યોજનાના કારણે ખેડૂતોમાં અસંતોષ છે.

તો જામનગર શહેર વિસ્તારમાં બિનખેતી કરનાર આસામીને ૪૦% જેવી જમીન પડતર રાખીને કોર્પોરેશનને આપવી પડે છે.જેનાથી ડેવલોપરને ફાયદો થતો નથી અને પડતર જમીન રહેવાથી શહેરનો વિકાસ થતો નથી,ઉપરાંત T.P.સ્કીમનો અમલ થતો નથી.ઉપરાંત ગંદા પાણીમાંથી શુદ્ધ પાણી કરવાનો ૧૦૦ કરોડનો પ્લાન જામનગરમાં શરૂ થયો નથી.આમ શહેરી વિસ્તારમાં ભાજપ લોકોને સુવિધા આપવામાં ક્યાંકને ક્યાંક આયોજનના અભાવે નિષ્ફળ રહી છે.તે સહીતના મામલે ફેસબુકના માધ્યમથી જનતાને વાકેફ કર્યા હતા.રવિવારે પાટીદારો પ્રભાવિત ક્ષેત્રમાં યુવા નેતા હાર્દિક પટેલની જનસંપર્ક યાત્રા..
કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે હાર્દિક પટેલ કાલાવડ અને ધ્રોલના લતીપુર ખાતે જાહેરસભા ગજવતા સારી એવી સફળતા મળી છે,એવામાં ફરીથી આગામી તા.૨૧ના રવિવારથી હાર્દિક પટેલ પાટીદાર પ્રભાવીત ક્ષેત્રમાં જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે,આ યાત્રા ખાસ કરીને જોડીયા,ભાદરા, બાદનપર,કુન્નડ,લીંબુડા,હડીયાણા બાદ જામનગર તાલુકાનાં બાણુગાર, ફલ્લા, રણજીતપર,વણથલી, વરણા, નંદપુર,ભરતપુર,બજરંગપૂર,ધુતારપર અને ધુડશીયા વગેરે ગામો સુધી ફરી વળશે,અત્રે ઉલ્લેખનીય છે કે, ગતવિધાનસભાની ચૂંટણી સમયે હાર્દિક પટેલે કાલાવડના મોટા વડાળા, ખરેડી, નવાગામ બાદ ધુતારપર, ધૂડશીયા અને ભાદરા ખાતે જંગી જાહેર સભાના આયોજન બાદ પાટીદાર મતદારો પર ભારે પ્રભાવ પડ્યો હતો અને આ વિસ્તારમાંથી ભાજપના સુપડા સાફ થઈ ગયા હતા,તેવામાં રવિવારે હાર્દિક પટેલની જનસંપર્ક યાત્રાને લઈને યુવાનોમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને પાસ ટીમ પણ સક્રીય બનીને કામે લાગી ગઈ છે.ત્યારે ચૂંટણીના અંતિમ તબક્કામાં હાર્દિક પટેલની યાત્રા કોંગ્રેસને જબરો ફાયદો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
