Mysamachar.in-ગાંધીનગરઃ
બિન સચિવાલયની પરીક્ષાનું પેપર ફોડનારા આરોપીઓ પકડાઇ ગયા છે, આરોપીઓમાં એક ભાજપ અને એક કોંગ્રેસ સાથે સંકળાયેલો હોવાના પરસ્પર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. ધીમે ધીમે મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો છે, કોઇપણ મુદ્દો હોય રાજનીતિ તો થવાની જ પરંતુ મહિનાઓ સુધી મહેનત કર્યા બાદ ઉધાર પૈસા અને દવાખાનું છોડી પરીક્ષા આપી એ ઉમેદવારોનું શું ? ગુજરાતમાં પરીક્ષાઓમાં થતી ગેરરીતિ જાણે ફરજિયાત બની હોય તેમ એક પછી એક પરીક્ષાઓના પેપર ફૂટી રહ્યાં છે. લેભાગું તત્વો દ્વારા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી પૈસા કમાવવાનો ધંધો શરૂ કરાયો, ફરિયાદો અને વિદ્યાર્થીઓના હોબાળા બાદ જાગતી સરકાર તાત્કાલિક તપાસ કરાવવા અને પગલા લેવાના આદેશો આપે છે, પોલીસ તંત્ર ગણતરીના સમયગાળામાં આરોપીઓને જેલ હવાલે પણ કરે છે.
બિન સચિવાલય ક્લાર્ક-3ની પરીક્ષાનું પેપરલીક થવા મામલે પોલીસે 25 ડિસેમ્બરે 6 આરોપીની ધરપકડ કરી હતી. અહીં સુધી તો બધુ બરાબર હતું પરંતુ હવે કોંગ્રેસ-ભાજપે એકબીજા પર આક્ષેપબાજી શરૂ કરી રાજકીય નાટક શરૂ કરી દીધું. પહેલા ભાજપે આક્ષેપ લગાવ્યો કે પકડાયેલા આરોપીઓમાંથી એક કોંગ્રેસનો કાર્યકર છે, તો હવે કોંગ્રેસે એક ફોટો જાહેર કરી આક્ષેપ કર્યો કે પકડાયેલા આરોપીમાંથી એક ભાજપ સાથે સંકળાયેલો છે. રાજકારણમાં એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કોઇ નવી વાત નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સંકળાયેલા આ મુદ્દા પર વિદ્યાર્થીઓના હીતમાં બોલવા કે પડખે ઉભા રહેવાને બદલે રાજકીય રોટલા શેકવા કેટલી હદે યોગ્ય છે ?.