Mysamachar.in-ગુજરાત:
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાંનો માહોલ જામી રહ્યો છે. એક તરફ મોદી-શાહ સેના ઝંઝાવાતી તૈયારીઓમાં રાતદિન વ્યસ્ત છે. બીજી બાજુ કોન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીનો જંગ અસરકારક રીતે લડવા હથિયારો સજાવવામાં મશગૂલ છે. કોન્ગ્રેસ દ્વારા ગુજરાતમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને પક્ષનાં વરિષ્ઠ નેતા અશોક ગેહલોતને ફ્રી હેન્ડ આપવામાં આવ્યો હોવાનું સમજાઈ રહ્યું છે.
જો કે, તેઓ સંભવિત ઉમેદવારોનાં કેટલાંક નામોની યાદી દિલ્હીથી સાથે લાવ્યા હોવાની પણ ચર્ચા છે. આ તરફ આમ આદમી પાર્ટી પણ ખૂબ જ સક્રિય છે અને જનજન સુધી પહોંચવા વિવિધ કાર્યક્રમો ઝડપભેર ગોઠવી રહી છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન આગામી 72 કલાકમાં ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં જનસભાઓ સહિતના કાર્યક્રમો આપશે. જામનગરમાં પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઈસુદાન ગઢવીનો રોડ-શો આવતીકાલે 28 મીએ યોજાવા જઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ વિધાનસભાની એવી બેઠકો પર ફોકસ કરી રહી છે જે બેઠકો પર પાછલાં 25-30 વર્ષ દરમિયાન કોંગ્રેસને ક્યારેય વિજય મળ્યો જ નથી ! એમ પણ માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકો પર ખૂબ જ મજબૂત ઉમેદવાર મૂકી કોન્ગ્રેસ આ વખતે બાજી પલટાવવા પ્રયાસ કરી રહી છે. આ સાથે જ ગત્ ચૂંટણીમાં જે બેઠકો પર કોન્ગ્રેસના ઉમેદવારો સાવ ઓછાં મતે પરાજિત થયાં હતાં, તે બેઠકો પર પણ કોન્ગ્રેસ વધુ ફોકસ કરી રહી છે. અને, આ બંને પ્રકારની બેઠકો માટેનાં ઉમેદવારોનું લીસ્ટ કોન્ગ્રેસ દ્વારા તૈયાર કરી લેવામાં આવ્યું છે,
એમ પણ કહેવાય છે. જો આ વાત સાચી છે તો, શક્ય છે કોન્ગ્રેસ આગામી ગણતરીના કલાકોમાં આ બેઠકોનાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેશે. અત્રે એ પણ નોંધનીય છે કે, 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસના સંખ્યાબંધ ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. એક તબક્કે તો કોન્ગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવશે એવું પણ તે ચૂંટણી પરિણામોમાં દેખાઈ રહ્યું હતું. કોન્ગ્રેસ આ વખતે 2017 કરતાં પણ વધુ મહેનત કરી રહી છે. કારણ કે, ગત્ ચૂંટણીમાં તેઓ સતાથી માત્ર એક વેંત છેટાં રહી ગયા હતાં.
આ વખતે ગુજરાતમાં પરિસ્થિતિ અલગ છે. ભાજપા તથા કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે અને આ નવી પાર્ટી જબ્બર તૈયારીઓ કરી રહી છે. જનપ્રતિસાદ પણ મેળવી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યક્રમો ચિક્કાર જઈ રહ્યા છે. આગેવાનો અને કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પણ આ પાર્ટી પ્રત્યે ઉત્સુક જોવા મળી રહ્યા છે. કેમ કે, પાર્ટીની દિલ્હી અને પંજાબની સરકારોની કામગીરીનો ગુજરાતમાં જબરદસ્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત પાર્ટી સુપ્રિમો કેજરીવાલ જન જન સુધી પહોંચી, મતદારોને ગેરંટી કાર્ડ આપી રહ્યા છે. તેઓ ત્યાં સુધી કહે છે કે, ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ ચિત્રમાં પણ ક્યાંય નથી ! ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ થાય, તે માટેનાં પ્રયાસો કેજરીવાલ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠક મનોજ સોરઠીયા જણાવે છે, આવતીકાલે 28 થી સતત ત્રણ દિવસ માટે કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને આ ત્રણ દિવસમાં તેઓ 6 જનસભાઓને સંબોધશે. આ ચૂંટણી સભાઓ ભવ્ય બનાવવા આમ આદમી પાર્ટી દ્વારા જબ્બર તૈયારીઓ કરી લેવામાં આવી છે.
હાલનો માહોલ જોતાં એવું સમજાઈ રહ્યું છે કે, આગામી વિધાનસભા ચૂંટણી અત્યંત રસાકસીભરી પૂરવાર થઈ શકે છે. ત્રિપાંખિયો જંગ અણધાર્યા પરિણામો પણ સર્જી શકે, એવી સંભાવનાઓ પણ રાજકીય નિરીક્ષકો વ્યક્ત કરી રહ્યા છે. ખરેખર એવું થશે ?! આ પ્રશ્ન આજે સમગ્ર ગુજરાતમાં વંટોળની માફક ફેલાયેલો છે !