Mysamachar.in-
રાજ્યમાં શાસકપક્ષની મુશ્કેલીઓ, ખાસ કરીને રાજકોટના અનુસંધાને, સતત વધી રહી છે. સૌ પ્રથમ લોકસભા ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાના વિવાદીત નિવેદનને કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર સળગતું રહ્યું. પછી, ગેમઝોન અગ્નિકાંડ થયો. રાજકોટની ગરમી ગાંધીનગર અને દિલ્હીને સતત પરેશાન કરતી રહી છે. અધૂરામાં પૂરૂં રાજકોટ ભાજપાના નેતા અને રાજયસભાના સાંસદ રામ મોકરિયા સતત અલગઅલગ કારણોસર ચર્ચાઓમાં રહે છે. તેમનો છેલ્લો વિવાદ સરકાર માટે મુશ્કેલીઓ વધારી રહ્યો છે. આ વિવાદનો સૂર એવો રહ્યો કે, લાંચ ફરજિયાત છે. અને, તમે શાસકપક્ષ સાથે જોડાયેલા હો તો પણ લાંચ તો આપવી જ પડે.
ભાજપાના આ સાંસદ જ્યારે સાંસદ ન હતાં ત્યારે તેમણે ફાયર NOC મેળવવા સરકારમાં રૂ. 70,000ની’લાંચ’ આપવી પડી હતી, એમ ખુદ સાંસદ જાહેરમાં કહી રહ્યા છે. સાંસદ કહે છે: મહાનગરપાલિકામાં વહેવાર કર્યા વગર કામો થતાં નથી. કોર્પોરેશનની ફાયર શાખા નાણાં માટે, લોકોના જિવની પણ ચિંતાઓ કરતી નથી, એ વાત અહીં જાહેર થઈ ગઈ.
રામ મોકરિયા ત્યાં સુધી બોલ્યા: પ્લાન પાસ કરાવવા, ફાયર NOC મેળવવા પૈસા આપવા જ પડે ને ? પૂછો બિલ્ડર એસોસિએશનને. અત્રે ઉલ્લેખનિય છે કે, રામ મોકરિયાએ રાજકોટમાં ભાજપા કાર્યાલય નજીક સર્વે નંબર 105 માં 27,000 વાર જમીન પર બિલ્ડીંગનો પ્લાન જેતે સમયે મહાનગરપાલિકામાં મૂકેલો. તત્કાલીન ફાયર ઓફિસર ઠેબા દ્વારા આ મામલામાં જેતે સમયે મોકરિયા પાસેથી રૂ. 70,000 લેવામાં આવેલાં. મોકરિયા સૌને સામો પ્રશ્ન પૂછે છે: મહાનગરપાલિકામાં કોણ પૈસા નથી લેતું ?!
રામ મોકરિયાનું આ પ્રકરણ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગાજી રહ્યું છે. રાજકોટ ભાજપા, રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત ભાજપા ઉપરાંત ખુદ ગુજરાત સરકાર આ પ્રકરણમાં બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયા છે. મોડેથી એમ પણ જાણવા મળેલ છે કે, રામ મોકરિયા અને એક પત્રકાર વચ્ચે પણ સારી એવી બબાલ થઈ હતી. મોકરિયા એ સમયે રિપોર્ટર પર ગરમ થઈ ગયા હતાં.(FILE IMAGE)