Mysamachar.in-ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની સહ અસ્તિત્વ-કો એક્ઝીસ્ટન્સની ભાવનાને ‘‘જીવો અને જીવવા દો’’ના સંસ્કાર વારસાથી વન્યજીવોના રક્ષણ, જતન, સંવર્ધનથી આપણે વધુ સુદ્રઢ બનાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આગવી વૈવિધ્યતા ધરાવતા ગુજરાતમાં વન વિરાસત, વન્ય પ્રાણીસૃષ્ટિ, દરિયાઇ જીવસૃષ્ટિ સૌની લાક્ષણિકતા ટકાવીને વિકાસ-સંવર્ધન થાય તેવી આપણી નેમ છે. વન વિભાગ દ્વારા પ્રતિવર્ષ ગાંધીજયંતિ તા. 2 ઓકટોબરથી એક સપ્તાહ એટલે કે તા.8 ઓકટોબર સુધી ઉજવાતા રાજ્યવ્યાપી વન્યપ્રાણી સપ્તાહનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇને સમાપન કરાવ્યું હતું. રાજ્યના વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા જામનગરથી તેમજ રાજ્યભરના 583 સ્થળોએથી જન પ્રતિનિધિઓ, પદાધિકારીઓ તેમજ વનપ્રેમીઓ, વન્યજીવ પ્રેમીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વન કર્મીઓ-અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ‘બાયસેગ’ સેટ કોમ માધ્યમથી આ સમારોહમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીએ 23 અભ્યારણ્યો અને 4 રાષ્ટ્રિય ઉદ્યાનો તેમજ એશિયાટિક લાયનની આગવી મિરાત ધરાવતા ગુજરાતમાં વન્યજીવોના રક્ષણ માટે વન સાથે જન જોડીને ગુજરાતે સફળ આયામો પાર પાડયા છે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારના વન વિભાગે વન્યજીવોની ટ્રેકિંગ સિસ્ટમ વધુ મજબૂત કરવા માટે ટેકનોલોજીનો સઘન ઉપયોગ કર્યો છે, રેડિયો કોલર સિસ્ટમ, ટ્રેકિંગ ડિવાઇસ અને જી.પી.એસ સાથેની વાહન સુવિધા, ઘાયલ વન્યજીવની સારવાર માટે રેસ્કયુ સેન્ટર અને એનિમલ કેર એમ્બ્યુલન્સ જેવી ટેકનોલોજીયુકત સુવિધા સરકારે વિકસાવી છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, દેશના ગૌરવ ગિરના સાવજની વસ્તી આજે 674 જેટલી થઇ ગઇ છે. 2015ની તુલનાએ 2020માં સિંહની વસ્તીમાં 28.87 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
જંગલ વિસ્તારોમાં ખુલ્લા કૂવાઓને કારણે ઘણીવાર અકસ્માતે વન્ય પ્રાણીઓ અકાળે મોતને ભેટતા હોય છે ત્યારે સરકારે ગિર જંગલ વિસ્તારોમાં ખુલ્લા કૂવાઓની પેરાપીટ બાંધકામ માટે 16 કરોડ રૂપિયાનો પાંચ વર્ષમાં ખર્ચ કર્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત પાસે જે વન્ય પ્રાણીસૃષ્ટિનું વૈવિધ્ય છે તે જળવાઇ રહે અને તેનું સંવર્ધન રક્ષણ થાય તે માટે પણ સરકારે હાથ ધરેલા નવતર અભિગમની વિશેષતા તેમણે વર્ણવી હતી. વેળાવદર કાળિયાર નેશનલ પાર્કમાં લેસર ફલોરિકન બ્રિડીંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. ક્રિટીકલી એન્ડેજર્ડ કેટેગરીમાં હોય તેવાં પક્ષીઓના સાયન્ટીફિક ડેટા મળી રહે તે હેતુથી ટેગિંગ સિસ્ટમ વિકસાવી છે.
એટલું જ નહિ, વન્ય પ્રાણીને લગતા પ્રશ્નો કે પ્રજાજનોની જરૂરિયાતના સમયે સહાયતા મદદ માટે 24×7 ઓટોમેટિક રિસ્પોન્સ સિસ્ટમ કાર્યરત કરવામાં આવેલી છે. આ માટેના ફોન નંબર 8320002000 પર કોઇ પણ વ્યક્તિ માત્ર એક એસ.એમ.એસ કે વોટ્સઅપ કરીને પોતાના વિસ્તારની નજીકના વન અધિકારી કે કર્મીની સંપર્ક વિગતો અને મદદ મેળવી શકે છે તેમ તેમણે ઉમેર્યુ હતું. તો રાજ્યમાં સ્નેક (સાપ)ના રેસ્કયુ ઓપરેશન માટે વોલિન્ટીયર્સ અને એન.જી.ઓ ને પદ્ધતિસરની તાલીમ, માર્ગદર્શિકા અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને ઇન્સ્ટીટયુશનલાઇઝડ સ્વરૂપ સરકારે આપ્યું છે તેમ પણ જણાવ્યું હતું.