Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
નાનાં મોટાં ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ નિયંત્રણ અંગેનાં વિવિધ કાયદાઓ, નિયમો અને જોગવાઈઓનો ઘણાં કિસ્સાઓમાં ભંગ થતો રહેતો હોય છે અને આ પ્રકારના નિયમભંગનાં કિસ્સાઓ પર ધ્યાન આપવાની ફરજ સ્થાનિક સ્તરની કચેરીઓને સોંપવામાં આવી હોય છે. પરંતુ આવી કચેરીઓની સતા મર્યાદિત કરવામાં આવી હોય છે, જેને કારણે કંપનીઓ આવી કચેરીઓને દાદ આપતી હોતી નથી ! પ્રદૂષણ નિયંત્રણ માટેનાં નિયમોનું ઉલ્લંઘન થતું રહે છે !
આ પ્રકારની એક કંપની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી છે. એસ્સાર પાવર નામની કંપની પ્રદૂષણ ફેલાવવા મુદ્દે કુખ્યાત હોવાનું ઘણી વખત સપાટી પર આવતું રહે છે. આ કંપનીને કારણે વાયુ પ્રદૂષણ ફેલાતું હોવાની રજૂઆતો થતી રહે છે. આ ઉપરાંત આ કંપની નજીકનાં વિસ્તારોમાં આવેલી ખેતીની જમીનો કંપનીનાં પ્રદૂષણને કારણે બગડી રહી હોવાની રજૂઆતો પણ અવારનવાર થતી રહે છે. આમ છતાં કંપની પોતાની તાકાત પર મુસ્તાક હોવાની સ્થિતિ જોવા મળી રહી છે !
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી જામનગરમાં આવેલી છે. આ કચેરીનાં વડા તરીકે કલ્પના પરમાર નામનાં એક મહિલા અધિકારી ફરજ બજાવી રહ્યા છે. તેઓનાં જણાવ્યા પ્રમાણે, એસ્સાર પાવર સહિતની કંપનીઓ વિરૂદ્ધ સ્થાનિક સ્તરેથી પ્રદૂષણ અંગેની ફરિયાદો મળતી રહે છે. આ પ્રકારની ફરિયાદોનાં અનુસંધાને કચેરી તરફથી કંપનીને નોટિસ પણ આપવામાં આવતી હોય છે. પરંતુ આ પ્રકારની સમસ્યાઓનો કોઈ ઉકેલ જમીની સ્તર પર જોવા મળતો નથી. કંપનીઓને કલોઝર નોટિસ આપવાની સતા જામનગર કચેરીને આપવામાં આવી નથી. આ સતા માત્ર ગાંધીનગર કચેરીને છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારની કંપનીઓ ગાંધીનગર અને દિલ્હીમાં ગાઢ સંબંધોનું અદભૂત અને વિશાળ નેટવર્ક ધરાવતી હોવાને કારણે, કંપનીઓની મનમાની સ્થાનિક સ્તરે ચાલતી રહે છે ! એસ્સાર પાવર આ પ્રકારની કંપની હોવાનું પણ સૂત્રો જણાવે છે.