Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા નગરપાલિકાની થોડા સમય પૂર્વે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપના કાર્યકર તથા જે-તે સમયે ચૂંટણીના સંભવિત ઉમેદવાર એવા એક મહિલા કાર્યકર તથા તેમના પરિવારજનોના નામો યેનકેન પ્રકારે ઓનલાઇન ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાન્સફર કરાવી મતદાર યાદીમાંથી નામ કમી કરવા સબબ ખંભાળિયાના દંપતી સામે વિવિધ કલમો હેઠળ ધોરણસર ગુનો નોંધાવવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અગાઉ ભારે ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તાર પાસેના વણકરવાસમાં રહેતા વાસુભાઈ આલાભાઈ ડોરુ નામના 38 વર્ષના યુવાન તથા તેમના ધર્મપત્ની ગીતાબેન દ્વારા ભારતીય જનતા પાર્ટી માટે છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની કામગીરી તથા સેવા પ્રવૃતિ કરવામાં આવતી હતી. આ વચ્ચે તેઓ ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ચારમાં અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર માટે ફાળવવામાં આવેલી અનામત બેઠક માટે ગીતાબેન દ્વારા પક્ષ સમક્ષ ટીકીટ માટે દાવેદારી નોંધાવવામાં આવી હતી.
આ વચ્ચે ખંભાળિયામાં નાગરપાડા વિસ્તારમાં રહેતા કરણ વસંતભાઈ જોશીના ધર્મપત્ની સેજલબેન દ્વારા પણ વોર્ડ નંબર ચારમાં ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં ગીતાબેન ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ન શકે તેવા આશયથી ઉપરોક્ત દંપતિ દ્વારા કાવતરુ રચી, ચોક્કસ સમયગાળા દરમિયાન તેઓના મોબાઈલ નંબર 9173711111 તથા 9998805456 અને 9723728083 જેવા નંબરનો ઉપયોગ કરી નેશનલ વોટર સર્વિસ પોર્ટલ નામની એપ્લિકેશન પર લોગ-ઇન કરી અને વાસુભાઈ આલાભાઈ ડોરૂના સરનામાના પુરાવા તરીકે પીજીવીસીએલનું ફરિયાદીના નામનું બનાવટી ઇલેક્ટ્રિક બિલ બનાવી, તેને વેબસાઈટ પર ખરા તરીકે અપલોડ કરી, તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આમ, ફરિયાદી વાસુભાઈની ખોટી ઓળખ ઉભી કરી, તેમની જાણ વગર મતદારયાદીમાંથી તેમના તથા તેમના પત્ની ગીતાબેન તથા માતા જયાબેન આલાભાઈ ડોરૂનું મતદાર યાદીમાંથી નામ કમી કરાવી નાખવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે વાસુભાઈ ડોરૂની ફરિયાદ પરથી કરણ જોશી તથા તેમના પત્ની સેજલબેન સામે આઈ.પી.સી. કલમ 465, 466, 468, 471, 120(બી) તથા ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, આ સમગ્ર પ્રકરણની ધોરણસરની તપાસ ખંભાળિયાના પી.આઈ. વી.વી. વાગડિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.