Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં એક સમયે ખુબ ચર્ચાસ્પદ એવા 100 કરોડના જમીન કૌભાંડથી વધુ ચર્ચાઓમાં આવેલ આરોપી ભૂમાફિયા જયેશ પટેલના ભાઈએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ધાક-ધમકી આપતા વેપારીએ થોડા દિવસો પૂર્વે ઝેરી દવા પી આપઘાતની કોશિષ કરતા ચકચાર મચી જવા પામી છે. વેપારીએ રૂ.8 લાખના 15.20 લાખ ચુકવ્યા છતાં વધુ રૂ.30 લાખની પઠાણી ઉઘરાણી કરી જયેશ પટેલનો ભાઈ ધર્મેશ ધમકીઓ આપતા હોવાની પોલીસ ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
ભુમાફીયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયા પાસેથી શહેરના રણજીતસાગર રોડ ઉપર સેટેલાઈટ પાર્ક શેરીનં-5 માં રહેતા ધનશ્યામભાઈ જમનભાઈ ચોવટીયા નામના વેપારીએ દોઢેક વર્ષ પહેલા રૂ.૮ લાખ દશ ટકા વ્યાજે લીધા હતાં. વ્યાજ પેટે વેપારીએ રૂ.7.20 લાખ અને મુદલ રૂ. 8 લાખ રોકડા મળીને કુલ રૂ.15.20 લાખ ચુકવી દીધા હતાં. જે બાદ વેપારીએ મયુર ટાઉનશીપમાં આવેલ પોતાનું મકાન રમેશભાઈ ગોરસીયા થકી વેચાણ કર્યું હતું. મકાનમાં રૂ. 23,31,000 ની બેન્કની લોન હોય જે બાબતે વિવાદ થયો હતો. જેમાં આરોપી ધર્મેશભાઈ રાણપરીયાએ સમાધાન કરાવીને વેપારી પાસેથી 6 કોરા ચેક અને રોકડા રૂ.6 લાખ લીધા હતાં. તેમ છતાં આરોપી ધર્મેશ રાણપરીયાએ વ્યાજના બાકી રૂપિયા અને રમેશભાઈ સાથે કરાવેલ સમાધાનના મળીને કુલ રૂ.30 લાખની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી વેપારી ધનશ્યામભાઈ ચોવટીયાએ કંટાળીને ગત તા.03 ના રોજ મોખાણા ગામ પાસે ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સુધારા પર હોય જે બાદ તેવો સ્વસ્થ થતા પોલીસે ધર્મેશ રાણપરીયા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી મની લેન્ડ એકટ મુજબ ફરિયાદ નોંધી છે.