Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં એક શખ્સ દ્વારા પોતાના માતા પાસે પૈસા માંગી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ શખ્સ સામે ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયામાં તાલુકા પંચાયત કચેરીની પાછળ રહેતા અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામના પ્રજ્ઞાબેન ભરતભાઈ ભાનુશંકર મહેતા નામના 66 વર્ષના વૃદ્ધાએ પોતાના પુત્ર અમિત (ઉ.વ.44) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમિતને કોર્ટમાં હાજર રહેવાનું હોય, માતા-પુત્ર ધ્રાંગધ્રાથી ખંભાળિયા આવ્યા હતા. અહીં તાલુકા પંચાયત કચેરી પાછળ આવેલા તેમના મકાને તેઓ હતા, ત્યારે શનિવારે સાંજના ચારેક વાગ્યાના સમયે અમિતે પોતાના માતા પ્રજ્ઞાબેન પાસે વાપરવાના પૈસા માગતા તેણી પાસે ન હોવાનું જણાવ્યું હતું. જેથી અમિત ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના માતાને બિભત્સ ગાળો કાઢી હતી.
આટલું જ નહીં, અમિતે પોતાના માતાને મારી નાખવાની ધમકી આપી, ઘરમાં રહેલી વસ્તુના છૂટા ઘા તેણી ઉપર ફેંક્યા હતા. આ દરમિયાન પ્રજ્ઞાબેનનો પૌત્ર હરદિપ વચ્ચે પડતા તેને પણ અમિતે બિભત્સ ગાળો કાઢી હતી. આમ, માતાની પાસે પૈસા માંગી અને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ પ્રજ્ઞાબેન ભરતભાઈ મહેતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અમિત ભરતભાઈ મહેતા સામે આઈ.પી.સી.કલમ 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આરોપી પુત્રની અટકાયત કરી લીધી હતી.
-ભાટિયા ગામે આધેડ કાકાને મારી નાખવાની ધમકી આપતા ભત્રીજા સામે ગુનો
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા મસરીભાઈ હરદાસભાઈ ગોજીયા નામના 55 વર્ષના આધેડે તેમના ભત્રીજા પરબત કેસુર ગોજીયા સામે પથ્થરના ઘા મારી, ઈજાઓ કર્યાની તથા ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી મસરીભાઈની વાડીની બાજુમાં આજુબાજુના ખેડૂતો તળાવનો કાઢીયો રિપેર કરતા હોય અને ત્યાં ફરિયાદી મસરીભાઈનું જેસીબી ચાલુ હોય, જેથી પરબતે ત્યાં આવી એને જેસીબી બંધ કરી દેવાનું કહી ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.