Mysamachar.in-અમદાવાદઃ
હાલ સિનેમાઘરમાં અને સોશિયલ મીડિયા પર જે ગુજરાતી ફિલ્મની ભારે ચર્ચા ચાલી રહી છે તે 'હેલ્લારો' ફિલ્મ વિવાદમાં સપડાઇ છે. આ ફિલ્મના ડાયરેક્ટર સહિત સાત લોકો સામે અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ અમદાવાદમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે નોંધાવી છે. વાત એવી છે કે દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જમાનાબેન વેગડા હેલ્લારો ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મમાં એક પાત્ર પોતાની જાતિ દર્શાવે છે. જમનાબેને આ જાતિને લઇને વિરોધ નોંધાવ્યો છે. જમનાબેનનો આક્ષેપ છે કે ચોક્કસ જાતિનો ઉલ્લેખ કરી જાતિને નીચી દર્શાવવાનો પ્રયાસ કરી અપમાન કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે હેલ્લારો ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહ, ડાયરેક્ટર આશિષ સી પટેલ, નીરવ સી પટેલ, આયુષ પટેલ, મિત જાની, પ્રતિક ગુપ્તા, ડાયલોગ લખનાર સૌમ્ય જોશી સહિતના લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હેલ્લારો ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. ગુજરાતમાં ફિલ્મો સામે ફરિયાદની આ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ અનેક હિન્દી અને ગુજરાતી ફિલ્મો કહાની અને પાત્રમાં જાતિના ઉલ્લેખને લઇને વિવાદમાં સપડાઇ ચૂકી છે.