Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે સરકારી જમીન પર દબાણ કરી અને આ સ્થળે ઓરડી તથા કુવા બનાવીને ખેડકામ કરી, દબાણ કરવા સબબ બે શખ્સો સામે સર્કલ ઓફિસર દ્વારા ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના સર્કલ ઓફિસર તથા મૂળ રાજકોટ તાલુકાના ખોખડદડ ગામના રહીશ મહેશભાઈ જેઠાભાઈ પરમારએ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામના રાયદે સોમાત ભોચીયા અને રાયદે નારણ ભોચીયા નામના બે શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ પટેલકા ગામની સરકારી ખરાબાની સરવે નંબર 249 વાળી જમીન પર રાયદે સોમાત તથા રાયડે નારણ ભોચીયા નામના બન્ને શખ્સોએ ખેડકામ કરી, ઓરડી બનાવી અને આશરે 70 ફૂટ જેટલો કુવો ખોદી કાઢ્યો હતો. સરકારી જંત્રી પ્રમાણે આશરે રૂપિયા બે લાખ જેટલી કિંમત ધરાવતી આશરે 8 થી 9 વીઘા જેટલી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવા અંગેની એક આસામીની ધોરણસર અરજી પરની તપાસમાં સર્કલ ઓફિસર દ્વારા ઉપરોક્ત બન્ને શખ્સોને આ દબાણ હટાવવા જણાવતા તેઓએ આ દબાણ હટાવવાની ના કહી દીધી હતી. જેના અનુસંધાને કલ્યાણપુર પોલીસ મથકમાં ઉપરોક્ત બન્ને શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ મુજબ ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.