Mysamachar.in-રાજકોટ:
પોલીસને આમ તો કાયદાની ખુબ નિષ્ણાત માનવામાં આવે છે, એવું પણ કહેવાય છે કે કોઈ આરોપીને કેમ બચાવવા કે ગુન્હો હળવો કરવો વગેરેની આવડત પોલીસ પાસે હોય છે, પણ પોલીસ જ પોતાની જાળમાં ફસાઈ જાય તો…રાજકોટમાં આવું બન્યું છે, જેમાં જુગારની રેઇડ દરમિયાન લાખોની રકમ પાંચ પોલીસકર્મીઓએ ચાઉ કરી જવાના મામલે પાંચેય પોલીસકર્મીઓ જ આરોપી બની જવા પામ્યા છે, પોલીસકર્મીઓ સામે જ ગુન્હો દાખલ થતા રાજકોટ પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે,
વાત એવી છે કે વીંછિયાના કંધેવાળિયા ગામે ગત ૧૦ સપ્ટેમ્બરના રોજ વીંછિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફે રેડ કરી જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સોને ૪૮૦૦૦ ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા, અને આ અંગે વીંછિયા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. દરમિયાન આ જુગારની રેડમાં લાખોની રોકડ રકમ હોવાનું ઉચ્ચઅધિકારીઓને ધ્યાને આવ્યું હતું, અને જુગારની રેડ કરનાર પોલીસ કર્મચારીઓએ લાખોની રકમ બારોબાર પેટમાં પધરાવી લીધાનું સામે આવતા તપાસને અંતે વીંછિયા પોલીસ સ્ટેશનના પાંચ પોલીસ કર્મચારીઓએ ૮.૪૮ લાખની રકમ કટકી કરી લીધાનું સ્પષ્ટ થતા પોલીસ જ આરોપી બની ગઈ છે,
ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી તથા સાહેદો કંધેવાળિયા ગામે જુગાર રમતા પકડાયા ત્યારે તેની જડતીમાંથી ૮.૯૭ લાખની રોકડ રકમ મળી હતી. જેમાં પોલીસ જમાદાર વલ્લભભાઇ તથા પોલીસ કર્મચારીઓએ ૮.૪૮ લાખની રોકડ રકમની ઉચાપત કરી અને બાકીની ફક્ત ૪૮૦૦૦ ની રોકડ રકમ જ રેકોર્ડ પર દેખાડી હતી. તેમજ પોલીસકર્મીઓએ વધુ ચાલાકી વાપરી જુગાર બંધ મકાનમાં રમાતો હોવા છતાં જાહેરમાં દેખાડી ફરીયાદી તથા સાહેદો સાથે વિશ્વાસઘાત કર્યો હતો.આમ અંતે પોલીસકર્મીઓને કટકી કરવી ભારે પડી અને ગુન્હો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.