Mysamachar.in-ગાંધીનગર:
જામનગર-ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્ર અને રાજય સરકારના સંખ્યાબંધ કાયદાઓ અસ્તિત્વમાં હોવા છતાં પર્યાવરણીય ક્ષેત્રમાં બેફામ લાલિયાવાડી ચાલી રહી છે. પ્રદૂષણ નિયંત્રણની કામગીરીઓ યોગ્ય રીતે થઈ રહી નથી. જમીન, પાણી અને હવાનું પ્રદૂષણ સમગ્ર રાજયમાં ચિંતાનો વિષય છે. આમ છતાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ ભાગ્યે જ થતી હોય છે. દરેક ઉદ્યોગે પર્યાવરણીય કલીયરન્સ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત હોય છે પરંતુ સ્થાનિક કચેરીઓની કામગીરીઓ આ ક્ષેત્રમાં કાયમ શંકાઓના દાયરામાં રહે છે. ઘણાં બધાં ઉદ્યોગો આ ફરજિયાત પ્રમાણપત્ર ન ધરાવતા હોય તો પણ આ ઉદ્યોગો વિરુદ્ધ પગલાંઓ ભરવામાં આવતાં નથી.
અચરજની વાત એ પણ છે કે, જે કંપનીઓ વિરુદ્ધ લોકો અથવા સંગઠનો અથવા ગ્રામ પંચાયત જેવી સંસ્થાઓ પ્રદૂષણ મુદ્દે ફરિયાદ અથવા રજૂઆત કરે તે ફાઈલ જ તંત્ર દ્વારા હાથમાં લેવામાં આવે છે, અને આ ફાઈલો હાથમાં લીધાં પછી પણ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવી કંપનીઓ વિરુદ્ધ કાયદેસરની અને આકરી કાર્યવાહીઓ કરવાને બદલે સામાન્ય નોટિસો આપીને આખા પ્રકરણ પર રાખ વાળી દેતું હોય છે.
સામાન્ય નિયમ એવો છે કે, કોઈ પણ કંપની વિરુદ્ધ લોકોની ફરિયાદ કે રજૂઆત ન હોય તો પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પોતાની મેળે આ કંપનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવે છે કે કેમ ? તેની સ્થળ તપાસ કરવાની હોય છે. રિપોર્ટ તૈયાર કરવાના હોય છે. પ્રાથમિક નોટિસથી માંડીને ક્લોઝર સુધીના પગલાંઓ લેવાના હોય છે. જરુર પડયે કંપનીઓને પેનલ્ટી કરવાની હોય છે. ઉદ્યોગો સીલ કરવાના હોય છે. કંપનીઓ વિરુદ્ધ જરૂર પડયે ફોજદારી કાર્યવાહીઓ પણ કરવાની હોય છે. પરંતુ આમાંની કોઈ જ કાર્યવાહીઓ થતી નથી. જેતે કંપનીઓ વિરુદ્ધની લોકોની ફરિયાદ કે રજૂઆત પછી પણ માત્ર કાગળો પર દેખાડા પૂરતી કાર્યવાહીઓ થતી હોય છે.
તાજેતરમાં સરકારે વિધાનસભામાં કેટલાંક આંકડાઓ જાહેર કર્યા છે. સરકારે જાહેર કર્યું છે કે, જોખમી ઉદ્યોગો દ્વારા પર્યાવરણીય સ્ટાન્ડર્ડનો ભંગ થયો હોય, એવા કિસ્સાઓની સંખ્યા વર્ષ 2020-21માં 987 રહી હતી. અને આ સંખ્યા લોકોની ફરિયાદ અથવા રજૂઆતની જ છે. તંત્રએ પોતાની મેળે, સુઓમોટો કરેલી કાર્યવાહીઓનો તો આમાં કયાંય ઉલ્લેખ પણ નથી. કેમ ? તંત્ર સ્વતંત્ર રીતે કોઈ તપાસ કરતું જ નથી?!
વર્ષ 2021-22માં આવી ફરિયાદ અને રજૂઆતની સંખ્યા 1,241 રહી. એટલે કે ઉદ્યોગો સામેની લોકોની ફરિયાદો વધી રહી છે ! છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નિષ્ક્રિય રહે છે. વર્ષ 2022-23 માં ઉદ્યોગો સામેની ફરિયાદોની સંખ્યા વધીને 1,597 થઈ ગઈ ! કલ્પના કરો, દિવસે દિવસે પ્રદૂષણ અને પર્યાવરણ વિષયમાં પરિસ્થિતિ કેટલી હદે બગડી રહી છે?!
સરકારે જાહેર કર્યું છે કે, પાછલાં ત્રણ વર્ષ દરમિયાન ધ્યાન પર આવ્યું છે કે, 172 કંપનીઓ પર્યાવરણીય કલીયરન્સ પ્રમાણપત્ર વિના કામ કરી રહી છે. આ સમય દરમિયાન તંત્રએ કુલ 1,535 કંપનીઓને પ્રદૂષણ સંબંધે શો-કોઝ નોટિસ આપેલી. પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરી રહેલાં જાગૃત નાગરિકો જણાવે છે કે, સરકારે જાહેર કરેલાં આંકડાઓ તો એકદમ સામાન્ય છે. ખરેખર તો પ્રદૂષણ સંબંધિત સ્થિતિ ગંભીર છે, સરકાર સ્તરે આ દિશામાં કડક નિયમપાલન કરાવવામાં આવતું નથી. આ સ્થિતિનો એક અર્થ એવો પણ થઈ શકે કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સ્થાનિક સ્તરે ઉદ્યોગો પ્રત્યે ઢીલી નીતિ અથવા મીઠી નજર ધરાવે છે જે ભ્રષ્ટાચારનો ભાગ હોય શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાં વર્ષ અગાઉ જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તત્કાલીન મુખ્ય અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતો ધરાવવાનો કેસ નોંધાયો હતો. સમગ્ર રાજયમાં આ પ્રકારની ચિંતાપ્રેરક સ્થિતિ જોવા મળી રહી છે. આખરે તો તમામ પ્રકારના પ્રદૂષણનો ભોગ નાગરિકો અને ઉદ્યોગોના કામદારો જ બનતાં હોય છે.