Mysamachar.in: ગાંધીનગર
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યભરમાં એક તરફ વીજતંત્ર દ્વારા સ્માર્ટ વીજમીટર લગાવવા કામગીરીઓ હાથ ધરવામાં આવી છે, બીજી તરફ ઠેરઠેર સ્માર્ટ વીજમીટરનો વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. દરમિયાન, રાજ્યની ચારેય સરકારી વીજકંપનીઓ આ મુદ્દે મૂંઝવણ અનુભવી રહી હોય, કંપનીઓએ સરકાર પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હોવાનો રિપોર્ટ છે.
પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ સહિતની સરકારની ચારેય વીજકંપનીઓ સ્માર્ટ વીજમીટર મુદ્દે ગ્રાહકોના વિરોધનો સામનો કરી રહી હોય, મંગળવારે વીજકંપનીઓના વડાઓએ સરકારના ઉર્જા વિભાગ પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો બહાર આવી છે. જો કે સરકારે અથવા એક પણ વીજકંપનીએ આ નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરી નથી તેથી સૌ અચરજ અનુભવે છે. ખરેખર તો ઉર્જામંત્રીએ રાજ્યમાં આ વિરોધ ધ્યાનમાં લઈ પત્રકાર પરિષદ યોજી વીજ ગ્રાહકોના સંતોષ માટે આ બેઠકના નિર્ણયો અંગે સત્તાવાર જાહેરાત કરવી જોઈએ અથવા વીજકંપનીઓએ સત્તાવાર રીતે આ અંગે અખબારી યાદી પ્રગટ કરવી જોઈએ. જો કે આમ કરવામાં આવ્યું નથી, તેથી લોકો સ્માર્ટ વીજમીટર પાછળ કોઈ સ્માર્ટ રમત રમાઈ રહી હોવા અંગે આશંકિત છે.
ઉર્જા વિભાગના સૂત્રો બિનસતાવાર જણાવે છે કે, વીજ ગ્રાહકની શંકાના સમાધાન માટે ગ્રાહકની માંગણી મુજબ તેના ઘરે સ્માર્ટ વીજમીટર સાથે જૂનું વીજમીટર પણ લગાડી રાખવામાં આવશે. આ ઉપરાંત ઉંચા વીજબિલોની ફરિયાદ થાય તેવા કિસ્સાઓમાં આ ફરિયાદોનો નિકાલ કરી આપવામાં આવશે. રાજ્યમાં હાલ 70,000 સ્માર્ટ વીજમીટર લગાવી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અન્ય કેટલાંક રાજ્યોમાં લોકોને 200 યુનિટ વીજળી ‘મફત’ આપવાની ગેરેંટી આપવામાં આવી છે.
રાજ્યમાં કુલ 1.65 કરોડ સ્માર્ટ વીજમીટર લગાવવાની યોજના છે. વીજકંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ સ્માર્ટ વીજમીટર અંગે દરેક ગ્રાહકને સંતોષકારક જવાબ આપશે. મીટર લગાવવાની કામગીરીઓ ચાલુ રાખવામાં આવશે. ખરેખર તો ગ્રાહકને સંતોષ અને ખાતરી ન થાય ત્યાં સુધી હાલના વીજમીટર ઉતારવા શા માટે જોઈએ ? બંને મીટરો લાઈનમાં પેરેલલ લગાડી બેચાર મહિના હકીકતો જાણવા પ્રયાસ કરવામાં આવે તો, ગ્રાહકને ફરિયાદ જ ન રહે. આટલી સાદી વાત વીજકંપનીઓ અને સરકારને ગળે શા માટે નથી ઉતરતી ? એવો પ્રશ્ન પણ સપાટી પર આવ્યો છે.