Mysamachar.in-જામનગર:
છેલ્લા કેટલાંક સમયથી જામનગર અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજમીટર અંગેના અહેવાલો આવતાં રહે છે, એ દરમિયાન જામનગર પંથકમાં અને રાજકોટ શહેરમાં સ્માર્ટ વીજમીટર લગાવવાની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે, જામનગર પંથકમાં સિકકાથી આ કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. આ અંગે Mysamachar.in દ્વારા જામનગર વીજતંત્રના અધિક્ષક ઈજનેર સાથે વાતચીત કરવામાં આવી છે.
અધિક્ષક ઈજનેર યશપાલસિંહ જાડેજાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, પ્રિ-પેઈડ સ્માર્ટ વીજમીટર લગાવવાની કામગીરીઓ જામનગર નજીકના સિક્કાની TPS કોલોનીથી શરૂ કરવામાં આવી છે અને સાથે સાથે જામનગર શહેરમાં પણ આ કામગીરીઓ ગણતરીના કલાકોમાં હાથ ધરવામાં આવશે.

લોકો સ્માર્ટ વીજમીટર અંગે જાતજાતના મુદ્દાઓ અને તુક્કાઓ ઉઠાવીને આ વીજમીટરની કવોલિટીઝ અંગે આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે, એ સંદર્ભમાં અધિકારીએ જણાવ્યું છે કે, સ્માર્ટ વીજમીટર અંગે કોઈએ, કોઈ પણ પ્રકારની આશંકાઓ રાખવાની જરૂર નથી. તમામ સ્માર્ટ વીજમીટર વડોદરા ખાતેની વીજતંત્રની સેન્ટ્રલ IT લેબ ખાતે ટેસ્ટિંગ થયા બાદ જ દરેક સ્થળે ડિલીવર કરવામાં આવે છે. આ વીજમીટરો જામનગર આવ્યા બાદ, ગ્રાહકને ત્યાં ઈન્સ્ટોલ કરતાં અગાઉ જામનગર લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે. તમામ પરીક્ષણ બાદ જ વીજમીટર લગાવવાની કામગીરીઓ થાય છે. અને, આ યોજનાના અમલમાં વિલંબનું કારણ પણ એ છે કે, વીજમીટરના સંભવિત હેકિંગ માટેની જે કાંઈ પ્રોસેસ હોય છે, તે પ્રકારના તમામ ટેસ્ટિંગ વડોદરા લેબ ખાતે પૂર્ણ કરવામાં આવ્યા છે. અને, આ વીજમીટર કવોલિટીઝની દ્રષ્ટિએ સંપૂર્ણ સંતોષકારક સાબિત થયા બાદ જ હવે અમલ શરૂ કરવામાં આવ્યો છે.
યશપાલસિંહ જાડેજાએ વધુમાં એમ પણ જણાવ્યું કે, એવું પણ નથી કે હાલ માત્ર સરકારી વસાહતોમાં વીજમીટર લગાડાય અને બાદમાં ખાનગી વીજગ્રાહકને ત્યાં મીટર લગાવવામાં આવે. જામનગર શહેરમાં પણ ખાનગી ગ્રાહકોને ત્યાં આ સ્માર્ટ વીજમીટર લગાવવા માટેની તૈયારીઓ થઇ ગઇ છે, ગમે તે ઘડીએ આ કામગીરીઓ ગણતરીના કલાકોમાં શરૂ થઈ શકે છે. અને, આ અંગે કોઈએ પણ કોઈ પણ પ્રકારની ચિંતાઓ કરવાની આવશ્યકતા નથી. હાલમાં સિક્કા ખાતે અંદાજે 900 જેટલાં વીજમીટર લગાવવા તૈયારીઓ કરવામાં આવી છે.
