Mysamachar.in-રાજકોટ:
કોઈ પણ જિલ્લાની કલેક્ટર કચેરીના સ્ટાફની કામગીરીઓ ઘણાં બધાં લોકોના મતે, ખાસ કરીને જાણકારોના મતે, રસપ્રદ હોય છે. આ પ્રકારનું એક પ્રકરણ બહાર આવ્યું છે. જામનગર કલેક્ટર કચેરીના એક ‘સેવક’ નું નામ ચર્ચાઓમાં છે. એક અહેવાલ મુજબ કાલાવડ તાલુકાના જશાપર ગામના પરેશ વસોયાએ રાજકોટ કલેક્ટર કચેરીમાં એક ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કહે છે: આઠેક મહિના પહેલાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચિભડા ગામની એક જમીનનો સોદો અમોએ અમારા શેઢા પાડોશી વીરેન્દ્રસિંહ હનુભા જાડેજા સાથે રૂપિયા 2.25 કરોડમાં કર્યો હતો અને સોદા પેટે અમોએ રૂપિયા 10 લાખ આપ્યા હતાં. આ સોદાની બેઠકમાં લોધિકાના નગરપીપળીયાનો નરેશ પરમાર અને કાલાવડનો નાથાભાઈ ચંદ્રપાલ હાજર રહ્યા હતાં.
સોદો થયા પછી જમીનની તપાસમાં બહાર આવ્યું કે, આ જમીન સરકારી છે! તેથી સોદો કરાવનાર નરેશ પરમારને બોલાવવામાં આવ્યો અને તેણે કહ્યું, હું સરકારી કર્મચારી છું. કલેક્ટરના રેવન્યુ રેકર્ડનો બધો વહીવટ હું સંભાળું છું. ચિભડાની આ જમીન સરકારમાં કલીયર કરાવી આપીશ. જો આ જમીન તમારાં નામે ન કરાવી આપું તો જમીનના સવા બે કરોડ હું આપીશ. એમ કહી ખેડૂતને વિશ્વાસ અપાવ્યો. આ વાતચીત દરમિયાન નરેશ પરમારે એમ પણ કહ્યું હતું કે, ભરોસો ન હોય તો કોરા ચેક આપું. પ્રોમિસરી નોટ આપું. અંતે સોદો મંજૂર થયા બાદ નરેશ પરમારે દિવસો સુધી એવા જવાબો આપ્યા કે, ફાઈલ કલેક્ટરના ટેબલે છે. માત્ર સહી બાકી છે, બે દિવસમાં થઈ જશે.
બાદમાં ખેડૂતને જાણવામાં આવ્યું કે, જેનો સોદો થયો છે એ જમીન નરેશ પરમારે એક રાજકીય આગેવાનને ગત્ તા. 25-01-2023ના દિને વેચી નાંખી, રૂપિયા 30 લાખ લઈ લીધાં છે. આ રાજકીય આગેવાન લોધિકાના નગરપીપળીયાના ખેડૂત છે. બાદમાં આ રાજકીય આગેવાનને એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ અપાયેલી. એવું જાહેર થયું છે કે,
ખેડૂતો કહે છે કે નરેશ પરમાર અગાઉ જામનગર કલેક્ટર કચેરીમાં ગ્રામસેવક તરીકે નોકરી કરતો હતો, તે સરકારી કર્મચારી નથી. રાજકોટ કલેક્ટર કચેરીમાં આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ છે અને તેના વિરુદ્ધ કાર્યવાહીની માંગણી થઈ છે.આ મામલે આગળ તપાસ બાદ વધુ વિગતો જાહેર થશે.