Mysamachar.in-અમદાવાદ:
આજે સોમવારે જામનગરના લોકોને ઠંડીમાં થોડી રાહત મળી. રવિવારે લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયા બાદ આજે લઘુતમ તાપમાન સહેજ ઉંચકાઈ 14.2 થયું. દરમિયાન, મહત્તમ તાપમાન 25 ડિગ્રી હતું તે ઘટીને 24.5 ડિગ્રી થયું. એટલે કે, બપોરના સમયે પણ ટાઢોળું. અત્યારની સ્થિતિ જોઈએ તો, બપોરે બે વાગ્યે ધોમતડકામાં પણ ઠંડા પવન અનુભવી શકાય છે.
દરમિયાન, રાજ્યના હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, આજથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. કોલ્ડવેવની શકયતાઓ છે અને સંભાવનાઓ એવી પણ છે કે, રાજ્યમાં કેટલાંક સ્થળો પર વરસાદ પણ વરસી શકે છે. જામનગરમાં ભેજનું પ્રમાણ 56 ટકામાંથી 62 ટકા થયું છે. જો કે, પવનની ગતિ ઘટી છે.
અમદાવાદ હવામાન વિભાગ કહે છે: રાજ્યમાં તાજેતરના માવઠાં બાદ ઠંડીનું લેવલ વધી ગયું છે. આજથી ઠંડીમાં નવો વધારો થશે. બેઠો ઠાર પણ વધી શકે. શીતલહેર પણ વધી શકે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં લઘુતમ તાપમાન એકાદ બે ડિગ્રી નીચું ઉતરી શકે છે. મહત્તમ તાપમાનમાં પણ એકાદ બે ડિગ્રીનો ઘટાડો થતાં બપોરના સમયે પણ ઠંડીનો અને પવનનો અહેસાસ થઈ શકે છે.