Mysamachar.in-જામનગરઃ
બે કે ત્રણ દિવસ વિરામ બાદ ફરી હાડથીજવતી ઠંડી શરૂ થઇ ગઇ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજસ્થાન પર સર્જાયેલ સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી બે દિવસ માટે ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો વર્તાશે. જામનગરમાં ગુરુવારે લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 24.6 રહ્યું છે. તો હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા છે, જ્યારે 6.5 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનું જોર વધવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં બુધવારે બરફવર્ષા બાદ 8 જિલ્લાઓમાં 4 ફુટ સુધી બરફ જામી ગયો હતો. તેના કારણે 588 રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. રાજ્યમાં 2436 વીજલાઇન પણ પ્રભાવિત થઇ હતી. બીજી તરફ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં બુધવારે વરસાદ પડ્યો હતો.
વરસાદ પડશે ?
હવામાન વિભાગ પ્રમાણે પાકિસ્તાન ઉપર બનેલી સિસ્ટમના કારણે આગામી 24 કલાકમાં ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં વરસાદ થઇ શકે છે. જો કે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ નહિવત છે, પરંતુ રાજ્યમાં એક જ દિવસમાં તાપમાન બેથી અઢી ડિગ્રી જેટલું ઘટી ગયું છે, જેના કારણે સવારે અને રાતે કાતિલ ઠંડીનો અનુભવ થયો છે.






