Mysamachar.in-જામનગર:
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આમ જૂઓ તો વાતાવરણ આકાશમાં ગોથે ચડેલી પતંગ માફક ગુલાંટો લગાવી રહ્યું છે. ગરમીની આગાહીઓ વચ્ચે હિમવર્ષા અને ભારે વરસાદની ખબરો મળી રહી છે. જામનગર સહિત ગુજરાતમાં લઘુતમ અને મહત્તમ તાપમાનનો આંક ઉંચકાશે એવી આગાહીઓ થઈ રહી છે. જો કે એ પ્રમાણમાં જામનગરમાં ઠંડક છે.
જામનગરમાં શુક્રવારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહ્યા બાદ શનિવારે આ આંકડા નીચે સરકી ગયા. શનિવારે લઘુતમ તાપમાન 19 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ગઈકાલે શુક્રવારે સાંજે ઠંડા પવનનો નગરજનોએ અનુભવ કર્યો હતો.

દરમિયાન, રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે શનિવાર બપોરથી તાપમાન ઉંચકાશે. જુદાં જુદાં શહેરોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. એમ પણ કહેવાયું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકિનારે ગરમ પવન ફૂંકાઈ શકે છે. જામનગરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહી શકે છે અને દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી થઈ શકે છે.