Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં બહુ લાંબો દરિયાકિનારો છે, જે પૈકી 45.8 ટકા જમીનો એવી છે જે મોટાપાયે ખવાણ-ધોવાણ થઈ રહી છે. 1,600 કિમી લાંબા દરિયાકિનારા પૈકી 703 કિમી વિસ્તારોમાં ઝડપથી જમીનો ધોવાઈ રહી છે, જેમાં કચ્છ અને જામનગરમાં આ પ્રક્રિયાઓ વધુ ઝડપથી થઈ રહી છે.
દરિયાના પાણીનું વધતું તાપમાન અને ચોમાસા દરમિયાન આવતી ભરતીઓ જેવા કારણોસર દરિયાકિનારાની જમીનોનું મોટાપાયે ખવાણ-ધોવાણ થતું રહેતું હોય છે. દરિયો ધીમે ધીમે આગળ પણ વધી રહ્યો છે. જામનગર સહિત સમગ્ર રાજ્યના 13 જિલ્લાઓમાં આ સમસ્યાઓ છે. જે પૈકી કચ્છ અને જામનગરમાં મોટું અને ઝડપથી નુકસાન થઈ રહ્યું છે. સરકારે પાછલાં 40 વર્ષના આંકડાઓ જાહેર કર્યા છે.
રાજ્યના પાંચ જિલ્લાઓ એવા છે જ્યાં 1978થી 1998 દરમિયાન 1 કિમી કરતાં વધુ જમીનોનું ખવાણ-ધોવાણ થયું. જેમાં 32 કિમી સાથે કચ્છ પ્રથમ ક્રમે અને 7 કિમી સાથે જામનગર બીજા ક્રમે છે. ત્યારબાદ, 1998-2020 દરમિયાન કચ્છમાં 30.2 કિમી અને જામનગરમાં 5.9 કિમી જમીનોનું ખવાણ-ધોવાણ થયું. આ પાંચ જિલ્લાઓને આ બાબતે હાઈલી અફેકટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કચ્છ અને જામનગર ઉપરાંત ભરૂચ, સુરત અને વલસાડનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ઓછાં અફેકટેડ જિલ્લાઓના વર્ગીકરણમાં જ્યાં 300 મીટરથી ઓછી જમીનોનું ખવાણ-ધોવાણ થયું હોય તેવા જિલ્લાઓમાં પણ જામનગર છે, એટલે કે જામનગરના વિવિધ વિસ્તારોમાં જમીનોનું ખવાણ-ધોવાણ ઓછાંવતા પ્રમાણમાં થઈ રહ્યું છે. જામનગરની ભૌગોલિક પરિસ્થિતિઓ એ પ્રકારની છે અને કચ્છ લાંબો દરિયાકિનારો ધરાવે છે, આ બે કારણથી આ બે જિલ્લાઓમાં દરિયાકિનારાની જમીનોનું ખવાણ-ધોવાણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે.
જામનગર જિલ્લામાં કુલ 91 કિમીમાં પથરાયેલી દરિયાઈ જમીનોનું ખવાણ-ધોવાણ મોટો વૃદ્ધિદર ધરાવે છે. 1978 થી 1998 દરમિયાન જામનગર જિલ્લામાં દરિયાઈ જમીનોનું જે ખવાણ-ધોવાણ થયું તેની સરખામણીએ 1998-2020 દરમિયાન આ ખવાણ-ધોવાણ અઢી ગણું થઈ ગયું. આ પ્રમાણ સમગ્ર રાજ્યમાં સૌથી મોટો ફેરફાર દર્શાવે છે. ભવિષ્યમાં આ બાબત મોટી ચિંતાઓ ઉભી કરી શકે છે.