Mysamachar.in-અમદાવાદ:
આજે 14 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ગુજરાત સહિત સમગ્ર દેશમાં સહકાર સપ્તાહની ઉજવણીઓ શરૂ થઈ છે. આ સમયે સહકાર ક્ષેત્રના કેટલાંક આંકડા બહાર આવ્યા છે. સહકારી બેંકોમાં લોકોની બચતો વધી છે. ખેડૂતોએ આ બેંકોમાંથી અબજો રૂપિયા લોન્સ તરીકે લીધાં છે. બીજી તરફ સહકારી બેંકોએ લોકોને ધિરાણ તરીકે આપેલાં કરોડો રૂપિયા ભૂત પણ થઈ ગયા છે.
જાહેર થયેલાં આંકડા અનુસાર, ગુજરાતની વિવિધ સહકારી બેંકોમાં લોકોના રૂ. 51,000 કરોડ ડિપોઝિટ તરીકે જમા છે. 7 વર્ષ અગાઉ આ આંકડો રૂ. 24,000 કરોડનો હતો. રિપોર્ટ કહે છે: પાછલાં દસ વર્ષ દરમિયાન આ આંકડો રૂ. 33,000 કરોડ વધી ગયો. તેની સામે ખેડૂતોએ સહકારી બેંકોમાંથી રૂ. 21,000 કરોડનું ધિરાણ લીધું છે. સહકારી બેંકોમાં ડિપોઝિટ તરીકે બચતના મામલે દેશમાં ગુજરાત ચોથા ક્રમ પર છે.
રાજ્યમાં સહકારી બેંકોની કુલ 1,480 શાખાઓ છે. સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કની દરેક જિલ્લામાં એક શાખા છે. શહેરી સહકારી બેંકોની શાખાઓ 212 છે. 18 જિલ્લાઓમાં જિલ્લા સહકારી બેંક છે. ખેતીના ક્ષેત્રમાં 8.36 લાખ ખેડૂતો સહકારી બેંકોના દેવાદાર છે. જૂન-2024ની સ્થિતિએ સહકારી બેંકોમાં રૂ. 1,364 કરોડની લોન્સ NPA થયેલી છે. સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કોની રૂ. 81 કરોડની લોન્સ એનપીએ થઈ છે. સહકારી બેંકોએ એક વર્ષમાં રૂ. 3,000 કરોડની લોન્સ આપી છે.