Mysamachar.in:ગાંધીનગર
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ આજે સવારે રાજયની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં પોલીસને કહ્યું: તમે સારું કામ કરો, સરકાર તમારી પડખે ઉભી રહેવા તૈયાર છે. મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સમાં જણાવ્યું કે, વરિષ્ઠ પોલીસ અધિકારીથી માંડીને નાનામાં નાના પોલીસકર્મીઓ સુધી સૌ પ્રજાહિત અને સમાજજીવનની શાંતિ માટેની સમાન વિચારધારા સાથે કાર્યરત રહીને આ ક્રાઈમ કોન્ફરન્સના હેતુઓ સાકાર કરી શકશે.
પાટનગર ગાંધીનગર ખાતે આયોજિત આ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, રાજયના પોલીસ વડા વિકાસ સહાય, તમામ રેન્જ આઈજી તથા પોલીસ અધિક્ષકો હાજર રહ્યા હતાં. આ એક દિવસીય કોન્ફરન્સમાં બોલતાં મુખ્યમંત્રીએ કહ્યું, દરેક બાબતમાં ક્રાઈમ જોવાની આપણી દ્રષ્ટિમાં બદલાવ લાવવો પડશે. રાજયમાં એવું વાતાવરણ નિર્મિત કરીએ કે ક્રાઈમ રોકવાને બદલે ક્રાઈમ થાય જ નહીં. ડ્રગ્સના દૂષણ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી તેનાં મૂળ સુધી પહોંચવા તાકીદ કરવામાં આવી.
પોલીસ માત્ર કાયદો વ્યવસ્થાની જાળવણી જ નથી કરતી, કોવિડના કપરા કાળમાં સતત ખડેપગે રહી પોલીસે કરેલી કામગીરીઓને તેઓએ બિરદાવી હતી. અને જણાવ્યું હતું કે, વિવિધ સામાજિક અભિયાનોને કારણે લોકોમાં પોલીસ પ્રત્યે આદરભાવ જાગ્યો છે. CMએ પોલીસને કહ્યું, તમે માત્ર સારું કાર્ય કરો, સરકાર તમારી પડખે ઉભી રહેવા તૈયાર છે. ગુજરાત વિકાસનું રોલમોડેલ અને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમાં કાયદો અને વ્યવસ્થાની સંગીન સ્થિતિનો પણ ફાળો છે એમ જણાવી તેઓએ ટીમ ગુજરાત પોલીસને અભિનંદન આપ્યા. આ તકે મુખ્યમંત્રીના હસ્તે પોલીસના ત્રણ વાત અમારી, ત્રણ વાત તમારી પોર્ટલનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું.