Mysamachar.in:ગાંધીનગર
રાજ્યના મુખ્યમંત્રીને અધ્યક્ષસ્થાને રાજ્યની જામનગર સહિત તમામ મનપાનાં કમિશનરોની એક બેઠક ગાંધીનગર ખાતે મળી હતી જેમાં જામનગર કલેકટર અને ઇન્ચાર્જ કમિશનર ડો.સૌરભ પારઘી ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની પણ હાજર રહ્યા હતા, અને જામનગરને લગત ટીપી સ્કીમ વિશે સીધી જ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં જામનગર શહેરને લાગે વળગે છે ત્યાં સુધી મુખ્યમંત્રીએ ટીપી સ્કીમ નંબર 11, 20, 21, 23 જે મંજૂર થયેલ છે પરંતુ તે ટીપી સ્કીમોમાંથી રોડ પસાર થતા કોઈ દબાણ નડે છે તે તમામ રોડ તાત્કાલિક ખુલ્લા કરવા ખાસ સુચના અધિકારીઓને આપી દીધી છે, રસ્તો ખોલી અને મેટલ રોડ સહિતની કાર્યવાહી તુરત શરુ કરવા પણ ભારપૂર્વક જણાવ્યું છે.ટીપી સ્કીમના નડતર રૂપ આ રોડ ખુલ્લા કરવા માટે કોઈ દબાણને વશ થયા વિના માત્ર અને માત્ર શહેરના વિકાસને લક્ષમાં રાખી ટીપી સ્કીમનો ઝડપભેર અમલ થાય અને શહેર વધુ સુવિધાયુક્ત બને તેવી કામગીરી કરવા સૂચન પણ કર્યું છે.
તો જે ટીપી સ્કીમોનો પરામર્શ થયેલ છે તેવી ટીપી સ્કીમ નંબર 7, 10, 25, 26, 27 નો જનરલ બોર્ડમાં ઠરાવ કરીને સરકારમાં મોકલવા ઉપરાંત ઇરાદો જાહેર કરવા ઠરાવ કરીને સરકારમાં મોકલવાની પણ ચર્ચાઓ આ મિટિંગમાં થઈ છે. ટૂંકમાં ટીપી સ્કીમને લઈને હવે નવી સરકારે એક્શન મોડમાં આવી છે અને દરેક ટીપીની ચોક્કસ પ્રકારે અમલવારી થાય અને ટીપી સ્કીમો માત્ર કાગળ પર ન રહી જાય તે દિશામાં કામગીરી કરવા માટે સરકાર કટિબદ્ધ બની હોય તે રીતે વધુમાં વધુ એક વર્ષમાં તમામ ટીપી સ્કીમોનું અમલીકરણ પૂરું કરવા સૂચનાઓ ગાંધીનગર ખાતે યોજાયેલ મિટિંગમાં આપી દેવામાં આવતા આગામી દિવસોમાં આની અસરો જામનગર શહેરમાં જોવા મળશે…
પરંતુ અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ દબાણોને વશ થઈને ટીપી સ્કીમ હેઠળના રસ્તાઓ ખુલ્લા ન કરાવી શકનાર મહાનગરપાલિકાને હવે જ્યારે મુખ્યમંત્રીએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે ત્યારે કોઈપણ દબાણ કે શેહ શરમ વિના હવે માત્ર ને માત્ર અમલવારીની દિશા તરફ જ આગળ વધવાનું રહેશે, કારણ કે હવે કોઈ દબાણ કે કોઈ શરમ કામ આવશે નહીં. કારણ કે આદેશ તો સીધો “દાદા” નો જ આવ્યો છે માટે એક વર્ષની અંદર તમામ ટીપી સ્કીમોની અમલવારી તો કરવી પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.