Mysamachar.in-ગાંધીનગર:
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં બ્રોડ વિઝન અને પ્લાનીંગ સાથે સ્વચ્છતા કામગીરી, ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ અને રિસાયકલીંગ ઓફ વેસ્ટ વોટર તેમજ શહેરી વિકાસની ટી.પી. સ્કીમની માળખાકીય સુવિધાના કામોમાં વેગ લાવી ગુજરાતના શહેરોને વિશ્વના શહેરો સાથે સ્પર્ધા કરે તેવા સજ્જ કરવા આહવાન કર્યુ છે,
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગઇકાલે ગાંધીનગરમાં શહેરી વિકાસ વિભાગના ઉપક્રમે રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૂરત, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠેય મહાનગરોના મેયર-સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષ, મ્યુનિસીપલ કમિશનરોની બેઠક યોજાઇ હતી,
આ બેઠકમાં મહાનગરોના નગર સુખાકારી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે દરેક મહાનગર સ્વચ્છતા સર્વેક્ષણમાં ફાઇવ સ્ટાર-થ્રી સ્ટાર રેન્કીંગ પ્રાપ્ત થાય તે દિશામાં સ્વચ્છતા-સફાઇના કામો ઉપાડે.ઘન કચરાના સેગ્રીગેશન, યોગ્ય નિકાલ તથા વેસ્ટ મેનેજમેન્ટનો સુચારૂ ઉપયોગ કરીને સ્વચ્છતા-સફાઇ ક્ષેત્રે લોકોને સ્પષ્ટ દેખાય એવું આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી છે,
મહાનગરોમાં ગટરના – ડ્રેનેજ વોટરના પૂન: ઉપયોગની આવશ્યકતા પર ભાર મૂકતાં વધતા જતા શહેરીકરણ વ્યાપ અને માનવ વસ્તીની પાણીની જરૂરિયાતને પહોચી વળવા ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ અને રિસાયકલીંગ ઓફ યૂઝડ વોટરના કામોને ટોપ પ્રાયોરિટી આપવા તાકિદ કરી હતી. આવું શુધ્ધ કરાયેલું પાણી ઊદ્યોગો, બાગ-બગીચા, બાંધકામ સાઇટ અને કૃષિ સિંચાઇ માટે આપીને મહાનગરો પોતાના આવકના સ્ત્રોત ઊભા કરી શકે તેમ હોવાનું પણ જણાવ્યુ હતું,
ભાવનગર-સૂરત જેવા નગરોએ આ ક્ષેત્રે જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેને અન્ય મહાનગરો પણ અનુસરે તેવું સૂચન કર્યુ હતું. આ માટે બધા જ મહાનગરોમાં સંપૂર્ણપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૧ વર્ષમાં ઊભા થઇ જાય તે માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો.મહાનગરોમાં ટી.પી. સ્કીમ મંજૂરી અને ટી.પી. સ્કીમમાં રસ્તા પહોળા કરવા, ગટર સહિતના જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભા કરવાની બાબતે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું,
મહાનગરોમાં જળસંચય અભિયાન અંતર્ગત આગામી ફેબ્રુઆરી-ર૦૧૯થી કામો શરુ કરીને સમયબધ્ધ આયોજન માટે પણ જરૂરી સૂચનાઓ આપતા જણાવ્યુ હતું કે,નદી, તળાવો, કાંસ સફાઇ, જળસંગ્રહ ક્ષમતા વૃધ્ધિ, પાણીના લીકેજીસ બંધ કરી જળ વ્યય અટકાવવો જેવી બાબતોને આ અભિયાનમાં આવરી લેવાની પણ સૂચનાઓ આપી હતી,
આમ ગઇકાલે મુખ્યમંત્રીએ જરૂરી સૂચનાઓ તો કરી પણ આ સૂચનાઓની કેટલી અમલવારી થાય છે કે પછી શેઠની શિખામણ ઝાપા સુધી તે જોવું પણ રસપ્રદ રહેશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.