Mysamachar.in:ગાંધીનગર
ગઈકાલે બુધવારે પ્રધાનમંડળની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ રાજ્યના નાનાંમોટાં તમામ શહેરોમાં રખડતાં ઢોરની સમસ્યા ઉકેલવા ઝુંબેશ શરૂ કરવા આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ આ જવાબદારી શહેરી વિકાસ વિભાગને સોંપતા કહ્યું છે, રાજ્યમાં દરેક કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં રખડતાં ઢોરની સમસ્યા નિપટાવવા તમામ શક્ય કાર્યવાહી કરવામાં આવે. અત્રે એ પણ નોંધનીય છે કે, રખડતાં ઢોરની સમસ્યાને કારણે નાગરિકો લાંબા સમયથી ત્રાસી ગયા છે. લોકોનાં જીવ પણ જાય છે. પશુઓને કારણે થતાં અકસ્માતોમાં લોકોને ગંભીર ઈજાઓ પહોંચી રહી છે. અને, ખુદ વડી અદાલત પણ આ મુદ્દે રાજ્ય સરકારને એક કરતાં વધુ વખત આકરી રીતે ટપારી ચૂકી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, 2022માં ગુજરાત સરકારે પશુઓને કંટ્રોલમાં લેવા આકરી જોગવાઈઓ સાથે એક કાયદો પણ બનાવ્યો હતો પરંતુ ચૂંટણી પૂર્વે આ કાયદાનો રાજ્યભરમાં સંબંધિતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતાં સરકારે આ કડક કાયદાનો અમલ અભેરાઈ પર ચડાવી દીધો હતો. જો કે આ કાયદાનો અમલ હવે શરૂ કરવામાં આવશે કે કેમ ? તે અંગે હજુ સુધી સરકાર તરફથી કોઈ કાંઈ બોલ્યું નથી. બુધવારની કેબિનેટની કાર્યવાહી સાથે સંકળાયેલા સૂત્રોનાં જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીએ બેઠકમાં સ્વીકાર્યું હતું કે, રખડતાં પશુઓનો ત્રાસ નાગરિકોની સલામતી જોખમાવે અથવા આ સમસ્યાને કારણે નાગરિકે જિવ ગુમાવવો પડે તે ચલાવી શકાય નહીં. આ દિશામાં રખડતાં ઢોરની સમસ્યાને નાથવા શહેરોમાં આ ઝુંબેશ ઘનિષ્ટ બનાવવા સૂચના આપવામાં આવી છે.