Mysamachar.in-સુરતઃ
હાલમાં જ લાંચ બાબતે ACB ભારે ચર્ચામાં છે, એવામાં ફરી એકવાર ACBએ એક એવા સરકારી બાબુ સામે આવક કરતા વધુ સંપતિનો કેસ દાખલ કરતા સમગ્ર રાજ્યમાં આ મામલે ભારે ચકચાર જાગી છે, આ એવો કર્મચારી છે જેને સરકારને બેફામ લૂંટી કરોડોની પ્રોપર્ટી બનાવી લીધી. ACBએ એક સરકારી કચેરીમાં 2018ના વર્ષમાં શરૂ કરેલી તપાસનો રેલો મદદનીશ નિયામક સુધી પહોંચ્યો છે. અહીં જમીન વિકાસ નીગમ લીમિટેડના મદદનીશ નિયામક પ્રવિણકુમાર પ્રેમલ પાસેથી આવકની સરખામણીમાં 201.62 ટકા વધુ રકમ મળી આવી છે. આ સરકારી બાબુ પાસેથી 10,54,57,440 રૂપિયાની બેનામી મિલકત બનાવી હોવાનું બહાર આવ્યું છે.
ACBને આધારભૂત માહિતી મળી હતી કે વર્ષ 2018માં ગુજરાત જમીન વિકાસ નીગમ લીમિટેડ ગાંધીનગરની કચેરીમાં અધિકારીઓ દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતી સરકારી યોજનાઓની ગ્રાન્ટની રકમનો મોટો હિસ્સો કમીશન પેટે ઉચાપત કરવામાં આવે છે. ત્યારબાદ ACBએ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું, જેમાં GLDCના જુદા જુદા અધિકારીઓ પાસેથી અંદાજે 56,20,500 રૂપિયાની બિનહિસાબી રકમ મળી આવી હતી. આક્ષેપિત પ્રવિણ કુમાર પ્રેમલ વલસાડ જિલ્લાની ધમરપુર કચેરીમાં મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતો હતો. આ દરમિયાન તેણે પુત્ર ચિરાગને પણ ભ્રષ્ટાચારમાં સામેલ કર્યો અને સરકારી કોન્ટ્રાક્ટ તૈયાર કર્યા, બાદમાં પુત્રને ગેંગલીડર તરીકે દર્શાવી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કામો મેળવ્યા હતા. પ્રવિણકુમાર સામે સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ખેત તલાવડી, પાણીના ટાંકા બનાવવાની યોજના, વગેરે મળી કુલ 41 ગુનાઓમાંથી 26 ગુનામાં વર્ગ-2નો કર્મચારી પ્રવિણ કુમાર પ્રેમલ આરોપી છે. હાલ ACBએ પૂરાવા એકત્રિત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-કુટુંબીજનોના નામે કરી કરોડોની મિલકત
પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રવિણકુમાર પ્રેમલ તેમજ તેમના કુટુંબીઓના નામે લક્ઝુરિયસ કાર BMW તથા ફ્લેટ, ખેતીની જમીન, દુકાનો, રેસ્ટોરા એમ 32 જેટલી સ્થાવર જંગમ મિલકતો મળી આવી છે. ACBની તપાસમાં જાણવા મળ્યું કે તેમના અને કુટુંબીજનોના ખાતામાં 4,26,77,000 જમા થયા હતા. એટલું જ નહીં માત્ર નોટબંધીના સમયગાળા બાદ 45,75,400ની માતબર રકમ જમા કરાવવામાં આવી હતી.
-જામનગર કચેરીએ કેટલાય કુંડાળા કર્યા છે.
જયારે જમીન વિકાસ નિગમ ની કચેરીની બોલબાલા હતી ત્યારે જામનગર કચેરીએ કરવામાં કાઈ બાકી નથી રાખ્યું, આ કચેરીના જે-તે સમયના ચબરાકો દ્વારા પણ બન્ને જીલ્લામાં કેટલાય બોગસ ખેત તલાવડી સહિતના કૌભાંડો અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કરી અને બધું ભેગું કરીને હવે રીટાયર્ડ પણ થઇ ચુક્યા છે, ત્યારે આવી તપાસો ફરીથી ખોલી અને તેના પેન્શન સહિતના ભથ્થાઓ અટકાવી જેલભેગા કરવા જોઈએ ત્યારે સાચી કામગીરી થઇ ગણાશે.