જામનગર મહાનગરપાલિકા વતી સિટી ઈજનેર દ્વારા શહેરની નદી સંબંધિત કામગીરીઓ અંગે કેટલીક ટેક્નિકલ જાણકારીઓ જાહેર કરવામાં આવી છે, અમુક ખર્ચ સંબંધિત સ્પષ્ટતાઓ કરવામાં આવી છે અને કેટલીક માહિતીઓની પૂર્તતા કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાએ આજે જાહેર કરેલી આ સ્પષ્ટતાઓમાં જણાવાયું છે કે, નદી વિસ્તારમાં રહેણાંક સહિતના દબાણો ઉપરાંત કેટલાંક ખેતીવિષયક દબાણો દૂર કરવામાં આવ્યા છે. નદીની તમામ કામગીરીઓ કન્સલ્ટન્ટની સલાહ મુજબ કરવામાં આવી છે. નદીને ઉંડી ઉતારવાના કામોમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખાનગી ડેવલોપરનો સહયોગ લેવામાં આવ્યો હતો. નદી સંબંધિત કામગીરીઓ અલગ અલગ કોન્ટ્રાક્ટર મારફતે કરાવવામાં આવી છે.
આ સ્પષ્ટતામાં વધુમાં જણાવાયું છે કે, આ તમામ કામગીરીઓ 10 એપ્રિલથી 22 જૂન દરમ્યાન પૂર્ણ કરવામાં આવી છે. કોર્પોરેશનના ઈજનેરોએ આ તમામ કામગીરીઓનું દૈનિક સુપરવિઝન કર્યું હતું. રોજેરોજ ફોટોગ્રાફી અને ડ્રોન દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ મશીનરીના રેકર્ડ્સ નિભાવવામાં આવ્યા છે.
આ સાથે જણાવાયું છે કે, આ કામગીરીઓ દરમ્યાન નદીમાંથી અંદાજિત 5,03,000 ઘનમીટર માટી/કાંપ નદીમાંથી દૂર કરવામાં આવ્યો. જે પૈકી 39,050 ઘનમીટર માટી/કાંપ રિલાયન્સ, નયારા અને ખાનગી ડેવલપર દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાનાં મંજૂર ભાવો મુજબ આ 39,050 ઘનમીટર કામનો અંદાજિત ખર્ચ રૂ. 1.79 કરોડ થવા પામ્યો છે. જેનું ચૂકવણું મહાનગરપાલિકાએ કરવાનું થતું નથી. તેનું રેકર્ડ્સ મહાનગરપાલિકાએ અલગથી નિભાવેલું છે.
આ ઉપરાંત આ યાદીમાં જણાવાયું છે કે, આ કામગીરીઓથી નદીની વહનક્ષમતામાં અંદાજિત 17.77 MCFT જેટલો વધારો થયો છે. મહાનગરપાલિકાએ આ બધી કામગીરીઓના અહેવાલ વખતોવખત પ્રસિદ્ધ કર્યા છે. આ કામગીરીઓને કારણે શહેરના વોર્ડ નંબર 4, 10, 11, 12 અને 16ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં મહદ્અંશે ઘટાડો થશે, એમ આ યાદીમાં અંતમાં જણાવાયું છે.