Mysamachar.in-રાજકોટ:છોટા ઉદેપુર
સરકારના મહેસુલ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ હમણાં હમણાં લાંચ લેવામાં ગૃહ વિભાગને પણ પાછળ છોડી રહ્યા હોય તેમ લાગે છે, તાજેતરમાં જ દ્વારકા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી બાદ મહેસુલ વિભાગના અન્ય બે કર્મચારીઓ લાંચ લેતા એસીબીને હાથ લાગ્યા છે, રાજકોટ જીલ્લાના ગોંડલમાં એન્ટી કરપ્શન બ્યુરોએ તાલુકા સેવાસદન ખાતે રેવન્યુ તલાટી મનીલ શૈલેષભાઇ ચાવડાની રૂ.1800ની લાંચ લેતા ધરપકડ કરી છે. જ્યાં ACB દ્વારા છટકું ગોઠવવામાં આવતા રેવન્યુ તલાટી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતાં કાર્યવાહી થવા પામી હતી.રેવન્યુ તલાટી મનીલ શૈલેષભાઇ ચાવડા દ્વારા ચાર નોંધ કરી હતી. જે બાદ અરજદારને ગામના નમૂના નંબર 2 હક્ક પત્રકે નોંધ પડાવવાના 1800ની લાંચ માંગી હતી. જેથી અરજદારે ACBમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે છટકું ગોઠવવામાં આવતા રેવન્યુ તલાટી વર્ગ-3ના મનીલ શૈલેષભાઈ ચાવડા રૂ.1800 રંગેહાથ ઝડપાઇ ગયો હતો.
તો લાંચ લેતા ઝડપાવાના અન્ય કિસ્સામાં સંખેડા તાલુકા સેવાસદનમાં સર્કલ ઓફિસર 14 હજાર રૂપિયાની લાંચ લેતાં રંગે હાથે ઝડપાયો હતો. પોતાની જ ઓફિસમાં લાંચ લેતાં સર્કલ ઓફિસર ઝડપાયો હતો. સુધારેલ અટક સાથે વારસાઈની નોંધ કરવા સર્કલ ઓફિસરે લાંચ માગી હતી.એક જાગૃત નાગરિકે સંખેડા તાલુકા સેવાસદનમાં ફરજ બજાવતા રાકેશ જેઠાભાઈ પાટીદાર, સર્કલ ઓફિસર વર્ગ-3, તાલુકા સેવાસદન કચેરી વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, અને લાંચિયા સર્કલ ઓફિસરને તેમની જ ઓફિસમાં લાંચ લેતાં રંગે હાથે ઝડપી કાઢ્યા હતા. લાંચની માંગણીની રકમ 15,000 અને સ્વીકારેલ રકમ 14,000 હતી.
આ કેસમાં એવું હતું કે ફરિયાદીનાં પિતાજી મરણ પામેલા હોઇ અને તેઓની વડીલોપાર્જિત જમીનમાં તેમનું તથા પરિવારનાં સભ્યોનાં નામો વારસાઈમાં ઉમેરવાનાં હતા. જેથી આ કામે તાલુકા સેવા સદન, સંખેડા ખાતે તેમણે અરજી કરતાં અને આરોપીને મળતાં તેઓએ જણાવેલ કે તમારી અટકમાં ભૂલ છે. જેથી ફરિયાદીએ તેમના પિતાજીની સુધારેલ અટકવાળી ગેઝેટની નકલ રજૂ કરી હતી. આ કામના આરોપીએ સુધારેલ અટક સાથે વારસાઈની નોંધ કરવા માટે 15,000 લાંચની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે 14,000ની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઇ તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે સોમવારે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 14,000ની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ પર પકડાઈ જઈ ગુનો આચરેલ હોઇ આરોપીને ડીટેન કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.






