Mysamachar.in:ગાંધીનગર
ચોપડાઓમાં ઘણાં બધાં કાયદાઓ લખેલાં હોય છે, જેને રિઅલ જિંદગી સાથે કશો જ સંબંધ ન હોય તેવા કિસ્સાઓ બનતાં રહેતાં હોય છે. લોકો પણ આ પ્રકારના પ્રતિબંધો અંગે ખાસ ગંભીર હોતાં નથી. કાયદો સારો અને ઉપયોગી હોય પણ અમલના સ્તર પર કશું જ નક્કર ન થઇ શકે, તો એ કાયદાનો ઉપયોગ શું ?! સિગારેટ, તમાકુ અને ગુટખા પરનો પ્રતિબંધ આવી જ એક બાબત છે. બાર વર્ષથી ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ સિગારેટ અને તમાકુ ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ છે જ. છતાં ઘણાં સ્થળોએ છડેચોક આ ચીજો વેચાતી રહે છે. વર્ષ દરમિયાન સરકારી તંત્રો એકાદ બે પરચૂરણ કેસ નોંધી અમલવારી સંબંધિત ફાઈલો તથા સરકારમાં મોકલવા રિપોર્ટ તૈયાર કરી લ્યે. વાત પૂરી.
એ જ રીતે ગુટખા પર પ્રતિબંધ છે. સાદા મસાલા ગુટખા બધે જ મળે છે જેની સાથે દુકાનદાર તમને તમાકુ પણ આપે છે! તમારે ગુટખો તૈયાર કરી લેવાનો! પ્રતિબંધ કાગળ પર. અમલના સ્તર પર આ પ્રકારની હાસ્યાસ્પદ હાલત હોવા છતાં સમયે સમયે સરકાર આ પ્રતિબંધની મુદ્દત માત્ર લંબાવી સંતોષ માની લ્યે છે. બધે જ બધું મળતું રહે છે ! આ વિષયને અન્ય એક પાસું છે. હજારો લોકો તમાકુ અને ગુટખા તેમજ સિગારેટ જેવી ચીજોને કારણે કેન્સર નોતરે છે. કેન્સરથી હજારો મોત પણ થાય છે. સૌરાષ્ટ્રમાં દાંતના તથા મુખના રોગ તથા મોઢાના કેન્સરના કેસ વધુ નોંધાય છે.
ગુજરાતમાં વિવિધ પ્રકારના કેન્સરને કારણે વર્ષ 2022માં 40,000થી વધુ મોત નોંધાયા. જેમાં પાન-મસાલા અને તમાકુ તથા ગુટખા ખાનારાઓના કેસોનો પણ સમાવેશ થાય છે. હવે તો શાળા અને કોલેજો આસપાસ મોબાઇલ વાહન એટલે કે હરતી ફરતી લારીઓ મારફત પણ તમાકુ અને સિગારેટ તથા તમાકુ ઉત્પાદનો વેચાઈ રહ્યા છે ! આ પ્રકારની ચીજો પરનો પ્રતિબંધ ગત્ 13 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થયો હતો, સરકારે વધુ એક વર્ષ માટે આ પ્રતિબંધ લંબાવી દીધો છે. વળી બેચાર કેસ દેખાડા પૂરતાં કરવામાં આવશે. બાકીનું બધું યથાવત ચાલતું રહેશે !