Mysamachar.in-સુરત:
આજના સમયમાં લોકોને બ્રાન્ડેડ ચીજવસ્તુઓ વાપરવાનો જબરો શોખ છે, પછી તે ઘડિયાળ હોય..ચશ્માં હોય કે પછી કપડા કેમ ના હોય…પણ આવી દરેક વસ્તુઓ ખરેખર તમે જે કંપની બ્રાન્ડ માટે પૈસા ચૂકવો છો તેની જ છે…? તે સવાલ ઉભો કરતો પર્દાફાશ રાજ્યના સુરત શહેરમાં થયો છે, જ્યાં સી.આઈ.ડી ક્રાઈમની ટીમે એક દુકાન પર છાપો મારીને લાખોની નહિ પણ કરોડોની કિમતની ડુપ્લીકેટ ઘડિયાળોનો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની અટકાયત કરી છે, દુકાન ચલાવનારા બે ભાઈઓ ઓરિજનલ કહીને લોકલ માર્કેટમાં આ ઘડિયાળો વેચતા હતા.
સીઆઈડી ક્રાઈમને અરજી મળી હતી કે, સુરતના બુંદેલાવાડની સના ટાઇમમાં બ્રાંન્ડેડ કંપનીના નામથી નકલી ઘડિયાળ વેચવાનું કૌભાંડ ચાલે છે. જે બાદ સીઆઈડી ક્રાઈમે દરોડો પાડી દુકાનમાંથી હ્યુબ્લોટ કંપનીની 337, અરમાનીની 215, રાડોના 580, ઓમેગાની 20, ટીશોટની 159, કાર્ટીયરની 985, લ્યુમીનરની 4, સી.કે.કંપનીની 205, પોલીસ કંપનીની 80, ડીઝલ કંપનીની 125, ટેગહુઅરની 165, રોલેક્સની 4780, એડમરપીઝટની 47, ફ્રેક મીલરની 47, યુલીસનાડીનની 8, કોરમની 30, જી સોક( કેશીયો)ની 1778, માઉન્ટ બ્લેકની 100, ઇનવીકટાની 74,માઇકલ કોર્સની 148, સેવન ફ્રાયડેની 206, ફોસીલની 594, સનેલની 5, ગેસ કંપનીની 6, લોન્જીનીસની 4, બલગીરી કંપનીની 17, જીસી કંપનીની 65, એડીડાસની 30, ડીઓરની 50, ગુચીની 75,પેટેકફીલીપની 55 અને વર્સાચી કંપનીની 37 ઘડિયાળો છે. એક ઘડિયાળની એવરેજ 3000 કિંમત ધારીને કુલ 3.32 કરોડ રૂપિયાની ઘડિયાળો કબજે કરી છે. આ માટે ખાસ એક ગોડાઉન ભાગળ ચાર રસ્તા પર ભાજીવાળી પોળ ખાતે આવેલા બ્લેક બિલ્ડિંગમાં રાખેલું હતું.
સના ટાઈમમાંથી દુકાન ચલાવનારા આરોપી ઇમ્તીયાઝ નુરમોહંમદ મેમણ અને ઇરફાન નુરમોહંમદ મેમણ મળી આવ્યા હતા. સીઆઈડી ક્રાઈમે પૂછપરછ કરતા તેઓએ પોલીસને જણાવ્યું હતું કે, આ નકલી ઘડિયાળો મુંબઈની ચેનલ એશિયા માર્કેટ, મોરીસવાલા બિલ્ડિંગ મુસાફિર ખાનાની જુદી-જુદી દુકાનમાંથી લાવે છે અને અહીંના લોકલ માર્કેટમાં ઓરિજનલ કહીને વેચી નાખતા હતા. તેમની પાસે આ ઘડિયાળ વેચવાનો કોઈ મંજુરી કે બીલ ન હતાં. તેઓ સાતેક વર્ષથી આ નકલી ઘડિયાળનો વેપાર કરે છે. આ બાબતે અમદાવાદની પારેખ્સ ઇન્ટેલ એચ્યુઅલ સર્વિસિસ કંપનીના સંચાલક દર્શક નીતીન પારેખે ઇમ્તીયાઝ અને ઇરફાન વિરુદ્ધ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને કોપી રાઇટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.આમ બ્રાન્ડેડ ઘડિયાળોને નામે નકલી ઘડિયાળો પધરાવવાના સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે.