Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોલેરાના રોગચાળાએ દસ્તક આપી છે, તેની સામે મનપાનો આરોગ્ય વિભાગ સતર્ક હોવાના દાવાઓ વચ્ચે એક જ વિસ્તાર કે જ્યાં અન્ય રીપોર્ટ પોજીટીવ આવ્યા હોય તે જ વિસ્તારોમાંથી અન્ય દર્દીઓ કોલેરા પોજીટીવ સામે આવતા આરોગ્યતંત્રમાં દોડધામ વધી ચુકી છે, આજે બપોરે મનપાના MOH ડો.હરેશ ગોરીએ my samachar.in સાથેની ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે….
અગાઉ ત્રણ કેસો પોજીટીવ આવ્યા બાદ વધુ ત્રણ કેસો પોજીટીવ આવ્યા છે, નવા જે કેસો પોજીટીવ આવ્યા તે પૈકી બે કેસો તો અગાઉ જે લોકોના રીપોર્ટ પોજીટીવ આવ્યા તે વિસ્તાર આસપાસના વિસ્તારમાંથી સામે આવ્યા છે, તેવાઓએ જણાવ્યું કે જામનગર શહેરના બેડી રીંગ રોડ રવિ પાર્કમાં વસવાટ કરતા એક 60 વર્ષીય વૃદ્ધ જયારે એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં રહેતા 50 વર્ષીય પુરુષ અને લાલખાણ વિસ્તારમાં વસવાટ કરતા એક દોઢ વર્ષના બાળકનો કોલેરાનો પોજીટીવ રીપોર્ટ આવ્યો છે, ઉપરાંત હાલ 10 લોકો કોલેરા શંકાસ્પદ હેઠળ સારવાર લઇ રહ્યા છે, જેમના રીપોર્ટ આવવાના હજુ બાકી છે.

કવોલિટીની દ્રષ્ટિએ નબળાં પાણીના ઉપયોગને પરિણામે પાણીજન્ય અને ગંભીર એવો કોલેરા રોગ દેખા દેતો હોય છે અને ઝડપથી પ્રસરી પણ જતો હોય છે, રાજ્યના અન્ય જિલ્લાઓ માફક જામનગર શહેરમાં પણ કોલેરાના રોગની એન્ટ્રી પછી, હવે આ રોગના કેસોમાં ઉમેરો થઈ રહ્યો હોય, લોકોએ તથા તંત્રએ હવે એકદમ એલર્ટ બની જવું પડશે. એક તરફ કોલેરાના પોઝિટીવ કેસ વધી રહ્યા છે અને બીજી તરફ કોલેરાના શંકાસ્પદ કેસો પણ નોંધપાત્ર પ્રમાણમાં જાહેર થતાં શહેર અને જિલ્લાના આરોગ્યતંત્રમાં દોડધામ જોવા મળી રહી છે.(symbolic image source:google)