Mysamachar.in-અમદાવાદ:
દર વર્ષે મકરસંક્રાંતિના તહેવાર પૂર્વેના દિવસોમાં ઠેરઠેર ચાઈનીઝ દોરી, માંજો પાયેલી અન્ય દોરી અને તુકકલ સંબંધિત ચર્ચાઓ ઉઠે છે. થોડો ઘણો ઉહાપોહ થાય, પાંચ પચ્ચીસેક ફરિયાદો થાય, તહેવાર પૂર્ણ થઈ જાય અને બધાં બધું જ ભૂલી જાય. આ પાંચ પંદર દિવસની કે એકાદ વર્ષની વાત નથી, છેલ્લા આઠ આઠ વર્ષથી આ મામલો જાહેર હિતની અરજીના રૂપમાં રાજ્યની વડી અદાલતમાં ચાલી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં સરકાર દ્વારા દર વર્ષે આ સંબંધે પ્રતિબંધ જાહેરનામા જાહેર થતાં રહે છે. આટલાં વર્ષો બાદ પણ કોઈ જ જડબેસલાક પોલિસી નહીં !
આ વર્ષે પણ વડી અદાલતમાં જાહેર હિતની અરજીની સુનાવણીઓ ચાલી રહી છે. આ અરજી 2016માં દાખલ થઈ હતી. સુનાવણી દરમ્યાન સરકારી વકીલ સરકારના જાહેરનામાની અને પોલીસ દ્વારા થતાં કેસની વિગતો એટલે કે, સરકારી આંકડા આપી રહ્યા છે. બીજી તરફ સૌ જોઈ રહ્યા છે કે, બજારમાં પતંગ ઉત્સવ સંબંધિત શું શું છૂટથી વેચાણ થઈ રહ્યું છે, પતંગશોખીન દ્વારા શેનો શેનો ઉપયોગ થઈ રહ્યો છે. દરમ્યાન, ખુદ હાઈકોર્ટ પણ સરકારને આ સુનાવણીઓમાં પ્રશ્ન પૂછી રહી છે કે, ચાઈનીઝ દોરી સહિતના પ્રતિબંધિત સામાનના ઉત્પાદકો વિરુદ્ધ પગલાંઓ ન લેવાય તો શું કામનું ??
ટૂંકમાં, રખડતાં પશુઓ કે શહેરોમાં ટ્રાફિક સમસ્યાઓ કે પછી પાર્કિંગની બબાલો અથવા દેશી દારૂના હાટડા માફક, મકર સંક્રાંતિ દરમ્યાન ચાઈનીઝ દોરી અને તુકકલ જેવી બાબતો દર વર્ષે, એકસરખી રીતે, માત્ર અમુક દિવસો પૂરતી ગાજતી રહે છે, બાકીનું બધું વરસોવરસ યથાવત્ ચાલતું રહે છે, એવો સૌનો અનુભવ છે.