Mysamachar.in-જામનગર:
શાળામાં બાળકને ટીચર દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો વધુ એક મામલો જામનગરમાં બહાર આવ્યો છે. આ વખતે આ બનાવ, શહેરની કાલિન્દી નામની સ્કૂલમાં બન્યો હોવાનું છાત્ર તથા વાલી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે શિક્ષણ વિભાગ સમક્ષ જો કે કોઈ ફરિયાદ થઈ નથી પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ મામલાની તપાસ શરૂ કરી દીધી હોવાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. આ મામલાની રાવ છાત્રના વાલી દ્વારા પોલીસ સમક્ષ થઇ છે.
જામનગરમાં આવેલી કાલિન્દી નામની ઈન્ટરનેશનલ સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતાં એક બાળકને ક્લાસ ટીચર દ્વારા ગાલ પર એટલો માર મારવામાં આવ્યો છે કે, બાળકના કુમળા ગાલ પર ચાઠું ઉપસી આવ્યું છે. ભોગ બનનાર બાળકનું નામ દક્ષ દિપકભાઈ ભદ્રા અને બાળકના ક્લાસ ટીચરનું નામ રિદ્ધિ હોવાનું જાહેર થયું છે. આ મામલો DEO કચેરીના ધ્યાન પર આવતાં DEO વિપુલ મહેતાએ મદદનીશ એજ્યુકેશન ઈન્સ્પેક્ટરને તપાસ સોંપી છે.

આ મામલામાં જે બાળકને માર પડ્યો છે તે દક્ષ ભદ્રા કહે છે: અમે છાત્રો કલાસમાં જઈ રહ્યા હતાં ત્યારે અન્ય છાત્રને કારણે મારી પણ ભૂલ થતાં હું કતારમાંથી નીકળી ક્લાસમાં ગયો. જો કે રિદ્ધિ નામના આ ટીચરે ભૂલ કરનાર અન્ય બાળકને કોઈ ઠપકો આપ્યો નથી પરંતુ ‘તારો એટીટયૂડ તારી પાસે રાખજે ‘ એવી ભાષાનો ઉપયોગ કરી, દક્ષ નામના આ બાળકને ગાલ પર માર માર્યો છે- એવું છાત્ર અને તેના વાલી દિપકભાઈ જણાવે છે.
વાલી દિપક ભદ્રા કહે છે: આ બાબતે સ્કૂલના આચાર્ય સમક્ષ ફરિયાદ કરવામાં આવી પરંતુ તેમણે કોઈ કાર્યવાહી કરી ન હોય, અમે આ મામલાની જાણ પોલીસ વિભાગમાં કરી છે. વાલી કહે છે: હું મારાં પુત્રને સ્કૂલે લેવા ગયો ત્યારે મને આ મામલાની જાણ થઈ. પૂછપરછ દરમિયાન મારાં પુત્રએ મને સ્કૂલમાં બનેલી હકીકત જણાવી.
દરમિયાન, આ મામલા અંગે આજે સવારે Mysamachar.in દ્વારા DEO વિપુલ મહેતા સાથે વાતચીત કરવામાં આવી. એમના જણાવ્યા અનુસાર, કચેરીના મદદનીશ એજ્યુકેશન ઈન્સ્પેક્ટરને આ બનાવની તપાસ સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન સ્કૂલ સંચાલક, આચાર્ય વગેરે તથા વાલી અને બાળકના નિવેદનો નોંધવામાં આવશે અને નિવેદનોના આધારે હકીકતો સ્પષ્ટ થતાં, આગળની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, મોટાભાગની ખાનગી શાળાઓમાં શિસ્ત અને નિયમોના વધુ પડતાં કડક અને જડ અમલ દરમિયાન આ પ્રકારના બનાવો બનતાં રહેતાં હોય છે. પુરુષ અથવા મહિલા ટીચર અથવા મેનેજમેન્ટ તરફથી ભૂલકાંઓને સમજાવટને બદલે આકરી શિક્ષાઓ કરવામાં આવતી હોય છે, વાલીઓને પણ નાનીનાની બાબતોમાં દબડાવવામાં-ધમકાવવામાં આવતાં હોય છે, પરંતુ ભાગ્યે જ આ પ્રકારના બનાવો બહાર આવતાં હોય છે અને સ્કૂલ વિરુદ્ધ કડક એક્શન લેવાતા હોય છે.
