Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં મહેસૂલ મંત્રાલય હંમેશા ચર્ચાસ્પદ અને ઘણી વખત તો વિવાદાસ્પદ પણ રહ્યું છે. આ મંત્રાલય દર વર્ષે ભ્રષ્ટાચારનાં ‘સતાવાર’ આંકડાઓમાં પોલીસ વિભાગને પણ બીજા ક્રમે ધકેલી દે છે અને પ્રથમ ક્રમ પચાવી પાડે છે ! આ વખતે નવી સરકાર જુદી રીતે આગળ વધવા માંગતી હોય એવું સમજાઈ રહ્યું છે – કેમ કે, સરકારની રચનામાં આ વખતે મુખ્યમંત્રીએ મહેસૂલ મંત્રાલય કોઈ પ્રધાનને સોંપ્યું નથી, પોતાની પાસે જ રાખ્યું છે. અને, મુખ્યમંત્રી એક્શન મોડમાં હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવી ચૂક્યા છે. એમ માનવામાં આવે છે કે, મહેસૂલ મંત્રાલય સંબંધિત વિજિલન્સ કેસોને ઝડપથી આગળ વધારવામાં આવશે. અને, તમામ પડતર કેસોને કોમ્પ્યુટરમાં ફીડ કરવામાં આવી રહ્યા છે, જેથી પારદર્શિતા અને ઝડપ વધારી શકાય. આ મતલબનો એક પરિપત્ર કાલે બુધવારે મહેસૂલ મંત્રાલય દ્વારા જાહેર પણ થઈ ચૂક્યો છે. જેનો અમલ કડક રીતે થશે તો આગામી દિવસોમાં રાજ્યમાં નવાજૂની સર્જાવાની શકયતા પણ દેખાઈ રહી છે.
આ ઉપરાંત તમામ મંત્રાલયોમાં નવી યોજનાઓ અને જૂની યોજનાઓનાં અમલીકરણની દિશામાં વિઝન ડોક્યુમેન્ટનાં આધારે આગળ વધવાની મુખ્યમંત્રી દ્વારા તમામ મંત્રીઓને તાકીદ કરવામાં આવી છે. આગામી 100 દિવસમાં કામગીરી દેખાડવા માટે તમામ મંત્રાલયોને લક્ષ્યાંકો હાંસલ કરવા પણ તાકીદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ભ્રષ્ટાચાર નિવારણ દિશામાં લાલ આંખ સાથે આગળ વધવા સક્રિય થયાં હોવાનાં સંકેતો મળી રહ્યા છે. મુખ્યમંત્રીના આ એકશન મોડના ભાગરૂપે તાજેતરમાં ગૃહમંત્રીની પ્રથમ બેઠક પણ યોજાઈ ચુકી છે. અને તેઓએ રાજ્યનાં ટ્રાફિક પ્રશ્ન પર હાલ ફોકસ કર્યું છે.