Mysamachar.in-અમદાવાદ:
ચેક પરતના કેસોનું પ્રમાણ બહુ મોટું રહે છે અને આવા ઘણાં કેસમાં આરોપી આખો કેસ ચાલ્યા બાદ નિર્દોષ પણ સાબિત થતાં હોય છે, પરંતુ ક્રિમિનલ કાયદાઓમાં ફેરફાર થયા બાદ આ પ્રકારના મામલાઓમાં હવે આરોપીઓને આખો કેસ ચલાવવાને બદલે ચોક્કસ કેસમાં ચોક્કસ તબક્કે ડિસ્ચાર્જ કરી શકવાની જોગવાઈ દાખલ થઈ છે, આરોપીને આ રીતે ડિસ્ચાર્જ કરવાનો એક નોંધપાત્ર અને પ્રથમ કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં ફાઈનલ થયો છે.
આ નોંધપાત્ર કેસની વિગતો એવી છે કે, ભાવનગરના એક યુવક વિરુદ્ધ અમદાવાદની એક્સિસ બેંકે મેટ્રો કોર્ટમાં ચેક પરતની ફરિયાદ દાખલ કરેલી. આરોપીના વકીલે અદાલતમાં જાહેર કર્યું કે, મે મહિનામાં તેના અસીલે વિવાદી રકમ બેંકમાં જમા કરાવી દીધી હતી. બેંકે જૂન માસમાં નો ડયૂ સર્ટિફિકેટ પણ આપી દીધું હતું. આ સર્ટિફિકેટ અપાયા બાદ બેંકે મોકલેલ નોટિસની બજવણી થઈ હતી. આમ આ કેસમાં બેંકની કાર્યવાહી યોગ્ય ન હતી.
આ કેસમાં અદાલતે આરોપી યુવકને કેસમાંથી ડિસ્ચાર્જ કર્યો છે. અગાઉ આ રીતે ડિસ્ચાર્જ મળતું ન હતું. આખો કેસ ચાલતો હતો. આ કેસમાં વળતરનો હુકમ કેમ ન કરવો એ મુદ્દે અદાલતે બેંકને શો-કોઝ નોટિસ પણ મોકલી છે. 2023માં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો અમલ શરૂ થયો છે. જેની કલમ 274માં એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ચેક પરતના કેસમાં પણ હવે આરોપીને ડિસ્ચાર્જ કરી શકાશે. ખોટી ફરિયાદ દાખલ થઈ હોય તો, આરોપીને ફરિયાદી પાસેથી વળતર પણ અપાવી શકાશે. હવે ખોટો કેસ આખો ચલાવવાની જરૂર રહેશે નહીં, અદાલતનો સમય બચી શકશે. એટલે કે, જો આરોપી વિરુદ્ધ પ્રથમ દર્શનીય ગુનો ન બનતો હોય તો, હવે વિગતવાર ચાર્જશીટ બનાવવાની કે દાખલ કરવાની જરૂરિયાત રહેશે નહીં.(symbolic image)