Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર દેશમાં ” ચેક પરત” બહુ મોટી સમસ્યા છે. દેશની હજારો અદાલતો પરનાં કામનું ભારણ આવાં કારણોથી સતત અને સખત વધી રહ્યું છે. આથી, આ દિશામાં નવેસરથી વિચારવાની આવશ્યકતા ઉભી થવા પામી છે. આ અંગે સરકારને વિવિધ સ્તરેથી જબરા સૂચનો મળ્યાં છે. ચેક પરતના કેસોની સંખ્યા ઘટાડવા તથા આ પ્રકારના કસૂરવારો વિરૂદ્ધ કોર્ટ કેસ પહેલાં જ, જરૂરી પગલાં લેવા અનિવાર્ય બન્યા છે. અદાલતો પરનાં ચેક પરતનાં કેસોના ભારણને પ્રભાવી ઢંગથી ઘટાડવા માટે કેન્દ્ર સરકાર આગામી સમયમાં નવો કાયદો લાવી શકે છે.
આ અગાઉ વેપાર ઉદ્યોગ સંગઠનોએ સરકારને વિનંતી કરી હતી કે, ચેક પરતના કિસ્સાઓમાં કસૂરવાર લોકો બેંકોમાંથી પોતાનાં પૈસા ઉપાડી ન શકે અને આવાં લોકોને વધુ જવાબદાર બનાવવા અંગે પગલાંઓ ભરવા જરૂરી બની ગયા છે કેમ કે, આવા કિસ્સાઓ લાખોની સંખ્યામાં નોંધાઈ રહ્યા છે અને તેની માઠી અસરો વેપાર ઉદ્યોગ પર પડી રહી છે.
આ સંદર્ભે નાણાં મંત્રાલયે તાજેતરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી જેમાં મંત્રાલયને એવાં સૂચનો મળ્યાં કે, આ પ્રકારના કસૂરવારો પોતાનાં અન્ય બેંક ખાતાઓમાંથી નાણાં ન ઉપાડી શકે, નવું બેંક ખાતું ખોલાવી ન શકે તથા નવી લોનમાં આવા કસૂરવારોનાં સિબિલ સ્કોરને ચોક્કસ પ્રક્રિયા કરીને સ્કેનર હેઠળ લાવવામાં આવે તે દિશામાં કંઈક નક્કર આયોજન થવું આવશ્યક છે, તો જ આ પ્રકારની બાબતો પર અંકુશ લાવી શકાશે.
મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે, તમામ સૂચનો અંગે કાયદા મંત્રાલય સાથે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. તેમનાં અભિપ્રાય બાદ સરકાર આ દિશામાં આગળ વધવા, નવો મજબૂત અને ન્યાયી તથા ઝડપથી સમસ્યાનું સમાધાન લાવનારો કાયદો લાવવા ખરડો તૈયાર કરવા વિચારી રહી છે. જો આ પ્રકારનો કાયદો આવી જશે તો ચેક પરતના કેસોની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં ઘટી શકે છે. આ સૂચનોને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.






