Mysamachar.in-અમદાવાદઃ
લગ્નના સપના જોતા યુવકો માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે, અમદાવાદમાં એક યુવકે પૈસા આપીને વૈવિશાળ નક્કી કર્યા, પરંતુ બન્યું એવું કે લગ્નને માત્ર 24 થયા ત્યાં જ દુલ્હન ફરાર થઇ ગઇ. દુલ્હન ફરાર થઇ ત્યાં સુધી તો વાંધો ન હતો પરંતુ ફરાર થયેલી દુલ્હની પોતાની સાથે યુવકના ઘરમાંથી રૂપિયા 1.94 લાખની મત્તાની લૂંટ ચલાવી ગઇ. સમગ્ર બાબતે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી બાજુ 24 કલાકમાં દુલ્હન ફરાર થઇ જતાં યુવક તથા તેના પરિવારમાં ચિંતાની સાથે આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા પણ જાગી છે.
ઘટના એવી છે કે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન આણંદના કનકાપુર ગામની એક યુવતી સાથે થયા હતા. બંનેના લગ્ન 15 નવેમ્બરના રોજ થયા, લગ્ન થતા યુવકની ખુશીનો કોઇ પાર ન હતો પરંતુ કોને ખબર હતી કે આ ખુશી ટૂંક સમયમાં જ ચિંતામાં ફેરવાઇ જશે. દાંપત્ય જીવનના સપના જોતા યુવકને 24 કલાકમાં જ વજ્રઘાત સમાન સમાચાર મળ્યા કે તેની દુલ્હન રૂપિયા 1.94 લાખનો મુદ્દામાલ લઇ છનન થઇ ગઇ. બાદમાં યુવક અને તેના પરિવારે આણંદમાં યુવતીના ઘરે તપાસ કરી તો ત્યાં પણ યુવકને વધુ એક વજ્રઘાત સમાન માહિતી મળી કે ત્યાંથી યુવતી અને તેનો પરિવાર ફરાર થઇ ગયો છે. બાદમાં યુવકે લૂંટેરી દુલ્હન સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે રમેશ પરમાર, ચકુમાશી, ભરત ઠાકોર અને મયંક મકવાણા નામના શખ્સોની એક ટોળકી સક્રિય છે, જેઓ લગ્નવાંછુક યુવાનોને ટાર્ગેટ કરી રૂપિયા ખંખેરતી હતી. હાલ તો પોલીસે અન્ય શહેરો અને જિલ્લાઓમાં આરોપીના ફોટા અને વિગત મોકલી અન્ય કોઈ ગુના નોંધાયા છે કે કેમ, તેની તપાસ હાથ ધરી છે. પરંતુ રૂપાળી કન્યાના મોહમાં આવી અને પૈસાના જોરે દુલ્હન લાવતા યુવાનો સાથે છેતરપીંડિની વધુ એક ઘટના બનતા સમાજ માટે આંખ ઉઘાડતો કિસ્સો બન્યો છે.