Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના નાઘેડીના એક શખ્સ વિરુદ્ધ બે ફરિયાદીએ જામનગરના બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ટ્રકો સંબંધે છેતરપિંડીઓની બે ફરિયાદ દાખલ કરાવી છે, આરોપીએ સોળ ટ્રકનું ‘કલ્યાણ’ કરી નાંખ્યુ છે- એવું આ બે ફરિયાદમાં જણાવાયું છે.
આ બે પૈકી એક ફરિયાદ ભાણવડના એક ટ્રાન્સપોર્ટર દ્વારા શહેરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. કારણ કે, 13 ટ્રકની છેતરપિંડીનો આ મામલો ગત્ ઓગસ્ટમાં જૂની RTO કચેરી પાસે, લાલબંગલા સંકુલમાં બન્યો હતો. આ ફરિયાદમાં ભાણવડના રાજેશ નગાભાઈ છેતરીયા નામના ખેડૂતે જણાવ્યું છે કે, નાઘેડીમાં ગ્રીન પાનની સામે, સાંઢીયા પુલ વિસ્તારમાં એકલિંગ પાર્કમાં રહેતાં હરેશ ખીમજી ભટ્ટે આ ફરિયાદીના 10 ટ્રક રિલાયન્સ કંપનીમાં ભાડેથી ચલાવવા મૂક્યા હતાં અને બે મહિના સુધી એક ટ્રક દીઠ માસિક રૂ. 25,000 લેખે કેટલાંક નાણાં પણ આરોપીએ ફરિયાદીને આપ્યા હતાં. આ બધાં ટ્રકની કુલ કિંમત રૂ. 28.20 લાખ દર્શાવવામાં આવી છે. બાદમાં આ તમામ ટ્રક આરોપીએ ક્યાંક છૂપાવી દીધાં અથવા ભંગાર તરીકે ક્યાંક વેચાણ કરી નાંખ્યા, એમ ફરિયાદ કહે છે. આ 10 ટ્રક ઉપરાંત ફરિયાદીના મિત્ર પંકજગીરી ભાવગીરી અપારનાથીના ત્રણ ટ્રક તથા પંકજગીરીના ભાઈ કૌશિકગીરી અમૃતગીરી અપારનાથીનો એક ટ્રક- એમ કુલ 14 ટ્રકનો આરોપીએ ‘ઘડોલાડવો’ કરી દીધો હોવાની ભીતિ આ ફરિયાદમાં વ્યક્ત થઈ છે.

આ ઉપરાંત જૂનાગઢના વંથલી તાલુકાના ખુંભડી ગામના રાહુલગીરી પ્રવિણગીરી મેઘનાથી નામના એક વેપારીએ પણ નાઘેડીના આરોપી હરેશ ભટ્ટ વિરુદ્ધ બે ટ્રક સંબંધી ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તેમની સાથે આ આરોપીએ બે ટ્રક બાબતે કુલ રૂ. 24.60 લાખની છેતરપિંડીઓ કરી છે. આ ઉપરાંત ત્રણેય સાહેદો પાસેથી કુલ રૂ. 38.05 લાખની એમ કુલ મળી રૂ. 62.65 લાખની છેતરપિંડીઓ કરી છે. આ ફરિયાદી સાથે આરોપીએ ગત્ ઓક્ટોબરમાં ખેલ પાડ્યો હતો.