Mysamachar.in:અમદાવાદ
જ્યારે પણ કોઈ પણ કેસમાં અદાલત અને પોલીસ વચ્ચે કાનૂની ટક્કર સર્જાતી હોય છે, ત્યારે આ પ્રકારના કેસ લોકોમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનતાં હોય છે. આ પ્રકારના કેસ પોલીસબેડામાં પણ ખૂબ જ રસથી ચર્ચાતા હોય છે. આવો એક કેસ રાજકોટમાં નોંધાયો છે. જેમાં વડી અદાલતે કડક વલણ અખત્યાર કર્યું છે. એક આરોપીને માર મારવાનો આ મામલો રાજકોટ પોલીસમાં ઘણાં સમયથી ચર્ચામાં હતો. હાલમાં છોટાઉદેપુરની જેલમાં બંધ અજય રાયધન કુંભારવાડિયા નામનો એક શખ્સ, એક સમયે રાજકોટ પોલીસનો આરોપી હતો. જેતે સમયે રાજકોટ પોલીસે આ શખ્સને કસ્ટડીમાં બહુ માર માર્યો હતો અને જાહેરમાં આ શખ્સનું સરઘસ કાઢ્યું હતું. એ પ્રકારની ફરિયાદ આ આરોપીએ અદાલતમાં નોંધાવી હતી.
આ કેસ હાઈકોર્ટમાં ચાલવા પર આવ્યો ત્યારે પોલીસ વતી કેસ લડી રહેલા વકીલે એવી દલીલો કરી હતી કે, આરોપી વિરુદ્ધ ગંભીર ગુનાઓ છે. આ દલીલ પર વડી અદાલતે એવી ટિપ્પણી કરી હતી કે – આરોપી સામે કાયદાની વિરુદ્ધ જઈ કાર્યવાહી કરી શકાય નહીં. આ કેસમાં પોલીસનાં વકીલે એમ પણ કહ્યું કે, તેમનાં અસીલ પોલીસકર્મીઓ અહીં બિનશરતી માફી માંગી લેવા તૈયાર છે. ત્યારે હાઈકોર્ટે એમ કહ્યું કે, કેસનાં આ સ્ટેજ પર માફી શક્ય નથી.
વડી અદાલતે માફીની વાતનો અસ્વીકાર કર્યા બાદ પાંચ પોલીસકર્મીઓ વિરુદ્ધ અદાલતની અવમાનનાનાં આરોપો ઘડયા છે. જેમનાં વિરુદ્ધ આરોપો ઘડાયા છે એ પાંચ પોલીસ કર્મીઓનાં નામ બી.ટી.ગોહિલ, એમ.જે.ધાંધલ, વી.એસ.લાંબા, જયભા પરમાર અને પ્રદ્યુમનસિંહ ઝાલા છે. આ આખો મામલો 2016ની સાલનો છે. અને આગામી 13મીએ આ કેસની હવે પછીની સુનાવણી હાથ ધરવામાં આવશે.