Mysamachar.in-
જામનગર શહેર અને જિલ્લામાં અસામાજિક અને ઝનૂની તથા માથાભારે તત્વો ખાખી રંગથી ડરતાં નથી. પોલીસ અને કાનૂનનો ભય રાખ્યા વિના આવા તત્વો હુમલા, મારામારી અને મર્ડર જેવા ગુનાઓને બિન્દાસ રીતે અંજામ આપી રહ્યા છે. શહેર અને જિલ્લામાં કોઈ પણ સ્થળે, કોઈના પર હુમલો થઈ શકે છે. હુમલાખોરોને હવે એ ભય રહ્યો નથી કે, પોલીસ આપણી ‘સરભરા’ કરશે. ગુનાહિત તત્વોમાં કોઈ જ ફફડાટ નથી. સામાન્ય લોકો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે આવા બનાવોને કારણે ફફડાટ અનુભવી રહ્યા છે. શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. એક વેપારીની હત્યા થઈ છે.
જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ થઈ છે. બનાવ નવાગામ ઘેડ વિસ્તારમાં બન્યો છે. હત્યાનો આરોપી ઝડપાયો નથી. પોલીસ તપાસ ચલાવી રહી છે. બીજી તરફ નવાગામ ઘેડ વિસ્તારમાં હત્યાના આ બનાવથી ચકચાર ફેલાવા પામી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ગોપાલ ચોક, રાઠોડ ફળીમાં રહેતાં વેપારી કિશોરસિંહ નવલસિંહ રાઠોડે કાલે મંગળવારે મધરાત આસપાસ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મંગળવારે રાત્રે પોણાં આઠ વાગ્યા આસપાસ તેમના ઘર નજીક શ્રીજી પ્રોવિઝન સ્ટોર પાસે હત્યાનો આ બનાવ બનેલો. જેમાં આશરે 42 વર્ષના સહદેવસિંહ નામના વેપારીની છરીના ઘા થી હત્યા નિપજાવવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવાયું છે કે, રાઠોડ ફળી વિસ્તારમાં રહેતાં જયદીપસિંહ ઉર્ફે મૂંગો કેશુભા વાળાએ સહદેવસિંહની કરિયાણાની દુકાનેથી અગાઉ ઉધારમાં ખરીદી કરેલી, જેના બાકી નાણાંની ઉઘરાણી સહદેવસિંહ દ્વારા કરવામાં આવી ત્યારે, આરોપી જયદીપસિંહે ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી છરી વડે એક જીવલેણ ઘા સહદેવસિંહને છાતીમાં ડાબી બાજુએ ઝીંકી દીધો. અને આ ગંભીર ઈજાઓને કારણે સહદેવસિંહ નામના આ વેપારીનું મોત નીપજયું છે. પોલીસે આ મામલામાં હત્યાની કલમ સહિતની કલમો નોંધી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, બે મહિના અગાઉ શહેરના રાજ પાર્ક વિસ્તારમાં 12 વર્ષની એક બાળકીને રહેંસી નાંખનાર નરાધમ અને જામનગર મહાનગરપાલિકાના અધિકારી પાસે ખંડણી માંગી ધમકી આપનાર આરોપી પણ, ફરિયાદ નોંધાયાના લાંબા સમય બાદ હજુ સુધી ઝડપાયેલ નથી. ત્યાં, આ વધુ એક ગંભીર ગુનો દાખલ થયો.