Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં કાલે બુધવારે ધ્રોલ પંથકના એક ખૂની હુમલાને કારણે સનસનાટી મચી ગઈ. જૂનાગઢની એક કોન્ટ્રાક્ટર પાર્ટીના માણસોએ જામનગર જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેરની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતાં અધિકારીવર્ગમાં હડકંપ મચી ગયો છે. આ તમામ હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
આ ચકચારી બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગતો અનુસાર, ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામ નજીક જિલ્લા પંચાયતની બાંધકામ શાખા હસ્તક એક માઈનોર બ્રિજનું કામ ચાલે છે. (સૂત્રના જણાવ્યા અનુસાર, આ કામ જૂનાગઢની સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપનીએ રાખેલું છે). આ કામ ચાલી રહ્યું હતું ત્યારે પંચાયતના ધ્રોલ વિભાગના ઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર નિલરાજસિંહ પરબતસિંહ બારડ (32) પોતાની ફરજના ભાગરૂપે કામનું નિરીક્ષણ કરવા સાઈટની વિઝિટે ગયા હતાં.
વિઝિટ દરમિયાન આ ફરિયાદી અધિકારીએ જોયું કે, બ્રિજનું કામ યોગ્ય રીતે થઈ રહ્યું ન હતું. આથી અધિકારીએ અમિત ઝાલા નામના શખ્સને કહ્યું કે, કામમાં સિમેન્ટનું પ્રમાણ નિયમ મુજબ રાખો અને સારૂં કામ કરો. કોન્ટ્રાક્ટર પાર્ટીને આ સારાં કામની વાત પસંદ ન પડી. આથી આરોપી અમિત નામના શખ્સે આ ફરિયાદી અધિકારીને બેફામ ગાળો આપી, બોલાચાલી અને ઝપાઝપી કરી તથા ઢીકાપાટુનો માર મારતાં અમિત નામના શખ્સે અધિકારીને એમ પણ કહ્યું કે, તને મારીને જમીનમાં દાટી દેવો છે.
આ દરમિયાન અમિત ઝાલાની સાથે અન્ય 6-7 શખ્સો પણ જોડાઈ ગયા હતાં, આથી પરિસ્થિતિ પારખી જઈ અધિકારીએ ઈટાળા ગામ તરફ ભાગવાનું શરૂ કર્યું. આ દરમિયાન, આરોપી અમિત ઝાલાએ પોતાની કાળા રંગની ક્રેટા કાર નંબર જીજે-11-બીઆર-8880 ભાગી રહેલાં અધિકારી પાછળ તેજ ગતિએ દોડાવી અધિકારી પર કાર ચડાવી દઇ હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો, એમ આ અધિકારીએ પોલીસમાં જાહેર કર્યું છે.
આ ધબધબાટી દરમિયાન અધિકારી એક ઓટલા પર ચડી ગયા અને એક દુકાનમાં ઘૂસી ગયા. પરંતુ આરોપીઓ પર ભૂત સવાર હતું. છ-સાત આરોપીઓ પૈકી અમિત ઝાલા સહિતના 3-4 શખ્સોએ લાકડાના ધોકાઓ વડે આ અધિકારીને શરીરના વિવિધ ભાગો પર ઈજાઓ પહોંચાડી. આરોપીઓએ આ અધિકારીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ધ્રોલ પોલીસે અમિત ઝાલા તથા અન્ય 6-7 અજાણ્યા શખ્સો વિરુદ્ધ આ ફરિયાદી અધિકારીની ફરિયાદના આધારે સરકારી ફરજમાં રૂકાવટ, જાહેરનામાનો ભંગ અને ખૂનની કોશિશ અંગેની કલમો સહિત વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ લઈ આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ પીએસઆઇ પી.જી.પનારા ચલાવી રહ્યા છે.