Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લા પંચાયતનાં શિક્ષણ વિભાગનાં ચેરમેનને તેઓનાં વતનના ગામમાંથી એક વોટ્સએપ ગ્રૂપ દ્વારા એક શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ ચેરમેન દ્વારા નોંધાવવામાં આવતાં સનસનાટી મચી ગઈ છે.
જામનગર જિલ્લાનાં ધ્રોલ તાલુકાના રોજિયા ગામનાં વતની અને ખેતીનો વ્યવસાય કરતાં તેમજ જામનગર જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવતા લખધીરસિંહ રતુભા જાડેજા (રહે. હાલ, ક્રિષ્ના સાયન્સ સ્કૂલ સામે, ખોડિયાર કોલોની, જામનગર)એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કાલે ગુરુવારે રાત્રે સવા આઠ વાગ્યે, તેઓનાં વતન રોજિયાના એક ખેડૂત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓને એટલે કે ફરિયાદીને આરોપી દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે !
ફરિયાદમાં જણાવાયું છે કે, આ બનાવ ત્રીજી મે એ બપોરે ત્રણ વાગ્યા આસપાસ બન્યો હતો. ફરિયાદી કહે છે : તેઓનાં વતન રોજિયામાં ‘દરબારી ડાયરો’ નામનું એક વોટ્સએપ ગ્રૂપ કાર્યરત છે. આ ગ્રૂપના માધ્યમથી યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા નામનાં એક ખેડૂતે પોતાના મોબાઈલ નંબર 76981 11101 મારફતે ફરિયાદીને ગાળો તથા ધમકી આપતાં મેસેજ લખ્યા હતાં. અને, ઓડિયો રેકોર્ડિંગ તૈયાર કરીને મનફાવે તેવી ગાળો બોલેલી ક્લિપ વાયરલ કરવામાં આવી હતી ! ફરિયાદમાં એમ પણ કહેવાયું છે કે, લગધીર તને કે તારાં છોકરાને મૂકવાનો થતો નથી – એમ જણાવી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે.
ધ્રોલ પોલીસે યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા વિરુદ્ધ IPC ની કલમ – 504, 506(2), 507 મુજબ ગુનો દાખલ કર્યો છે અને આ ફરિયાદની તપાસ ASI ને સોંપવામાં આવી છે. શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પોતાના વતનમાં જ આ ફરિયાદ નોંધાવવામાં આવતાં સમગ્ર ધ્રોલ પંથકમાં તથા જિલ્લા પંચાયત વર્તુળોમાં ભારે ચકચાર મચી છે.