Mysamachar.in-ગાંધીનગર:
સૌ જાણે છે એમ, સમગ્ર રાજયમાં નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરી અને નકલી અથવા બનાવટી ખાદ્ય પદાર્થોની ચર્ચાઓ પાછલાં 6-8 મહિનાઓ દરમિયાન, બહુ ગાજી. જેને કારણે સરકારની પ્રતિષ્ઠાને સારો એવો આંચકો અનુભવવો પડ્યો. અગાઉના વર્ષોમાં તો માત્ર પોલીસ જ નકલી ઝડપાઈ જતાં, પરંતુ તાજેતરના નકલીકાંડોએ તો માઝા મૂકી દીધી હતી, ખુદ સરકારી કચેરી પણ નકલી !!
આ બહુ ગાજેલો નકલીકાંડ આજે સવારે વિધાનસભામાં બજેટસત્ર દરમ્યાન પણ ગાજી ઉઠ્યો. અને, સરકાર ચોંકી ઉઠી. વિપક્ષ કોંગ્રેસના દસેક જેટલાં સભ્યોએ નકલીકાંડ મુદ્દે વિધાનસભા ગૃહમાં દેખાવો કર્યા અને ગૃહને ગજવી દીધું.જે બાદ અધ્યક્ષે વિપક્ષના એકસાથે 10 સભ્યોને સસ્પેન્ડ કરતો આદેશ આપી દીધો. આ ધારાસભ્યોને આજના એક દિવસ પૂરતાં સસ્પેન્ડ કરવામાં આવ્યા. પરંતુ તેઓના સસ્પેન્સન બાદ, વિપક્ષે માંગ કરી કે, આ ધારાસભ્યોનું સસ્પેન્સન રદ્દ કરવામાં આવે. જો કે અધ્યક્ષે આ માંગ સ્વીકારી ન હતી. આમ નકલીકાંડનો મુદ્દો વિધાનસભામાં ગાજતાં શાસકપક્ષ બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયો હતો.