Mysamachar.in:રાજકોટ
છેલ્લા કેટલાક સમયથી જામનગર અને રાજકોટ સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાત તરફના જિલ્લાઓમાં મોઢે બુકાની બાંધી ચડ્ડી-બનિયાન પહેરી ગેંગ દ્વારા લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી, જેવા ગુનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહી હતી સૌરાષ્ટ્રના મોટાભાગના જીલ્લાઓની પોલીસ તેની તપાસમાં લાગી હતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગને ઝબ્બે કરવામાં સફળતા મળી છે અને પોલીસે ગેંગના 12 શખ્સોને ઝડપી પાડી સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લામાં ગેંગ દ્વારા આચરવામાં આવેલ 68 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે 2.39 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગેંગના ફરાર 10 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ગેંગના 12 શખ્સોને ઝડપી પાડી પોલીસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લૂંટ, ધાડ, ઘરફોડ ચોરીના કુલ 68 ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 1.31 લાખ રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના, 9 મોબાઈલ ફોન, ડિસમિસ, ગિલોલ સહીત કુલ 2.39 લાખ રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ગેંગના ફરાર 10 શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓની ઊંડાણપૂર્વક પુછપરછ કરતા તેમને રાજકોટ શહેર જિલ્લાની 20થી વધુ ગુના ઉપરાંત જામનગર, આણંદ, ભરૂચ, ખેડા, અમદાવાદ અને બોટાદ સહિતના જિલ્લામાં કુલ 68 ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી જયારે પકડાયેલ આરોપીઓ પૈકી 8 આરોપીઓ અગાઉ પણ અલગ-અલગ જિલ્લામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
-શહેર બહારના વિસ્તારોને કરતા ટાર્ગેટ
ગેંગના સાગરિતો શહેર વિસ્તારના બારોબાર આવેલ કારખાના, શાળા તેમજ રહેણાંક મકાનોને લૂંટ તેમજ ચોરી કરવા માટે ટાર્ગેટ કરતા હતા કારણ કે, બારોબાર વિસ્તારમાં ગુનાને અંજામ બનાવને આપી ભાગવામાં સરળતા રહે છે. અને બારોબારના વિસ્તારમાં CCTV કેમેરા કે લોકોની અવર-જવર ઓછી હોવાથી પોલીસ પકડથી પણ બચી શકાય. આવી જગ્યાઓ ખાતે લૂંટ ચોરી કરવાનું નકકી કરતા હતા.
-આ રીતે આપતા હતા અંજામ
શરીરે ચડ્ડી બનિયાન પહેરી શરીરે જે કપડા પહેરેલ તે કાઢી રૂમાલમાં બાંધી રૂમાલ કમરે બાંધી હાથ રૂમાલથી મોઢુ ઢાંકી, હાથમાં ત્રણ-ચાર પથ્થર તથા ડીસમીસ, ગણેશીયો, દાતરડુ, ગીલોર, ટોર્ચ બેટરી વગેરે હથિયાર લઇ એક લાઇનમાં વારા ફરતી ઘટનાસ્થળે ચોરી કરવા જતા હતા. મુખ્ય સાગરિત સૌથી આગળ ચાલી ઘટનાસ્થળની અંદર તમામ જગ્યાઓ જોયા બાદ બહાર ઉભેલ તમામ સાગરિતોને ઇશારો કરી બધાને ઘટનાસ્થળે અંદર બોલાવી ડીસમીશ, ગણેશીયાથી તાળા તોડી રોકડા રૂપીયા તથા દાગીનાની જે મળે તે વસ્તુઓ લઇ બનાવને અંજામ આપતા અને બનાવ બાદ લૂંટ, ધાડ, ચોરીમાં મળેલ મુદામાલનો સરખા ભાગે ભાગબટાઇ કરી પોતાના રહેણાંક ઝુંપડામાં સંતાડી દેતા અને તેઓના દૈનિક કામે લાગી જતા હતા.
-આ ઝડપાઈ ગયા
લાલા ઉર્ફે લાલો ઉર્ફે સુભાષ પલાસ, રામસીંગ ઉર્ફે રાયસંગ મડિયા, છપ્પર ઉર્ફે છપરીયા પલાસ, રાકેશ પલાસ, રાજુ બારીયા, શૈલેષ ઉર્ફે શૈલો ઉર્ફે રતના કટારા, કાજુ પલાસ, શૈલેષ ડામોર, મનીષ ભાભોર, અપીલ પલાસ, રાહુલ ભીલ, મિથુન મોહનીયા