Mysamachar.in:ગાંધીનગર
તાજેતરમાં રાજ્યનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી જેમાં વિવિધ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડનું બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું હતું. બોર્ડની આ બેઠકમાં લેવાયેલાં નિર્ણય અનુસાર, હવે પછીનાં ધોરણ 10-12ના પરીક્ષાર્થીઓના પ્રમાણપત્રો DGલોકર પર અપલોડ કરવામાં આવશે. બોર્ડની સામાન્ય સભામાં આ નિર્ણય લેવાયો તેની સાથે સાથે શિક્ષકો માટેનાં ડ્રેસકોડ અંગે પણ ચર્ચા થયેલી. જો કે, બોર્ડે આ દરખાસ્ત ફગાવી દેતાં કહ્યું હતું કે, શિક્ષકો માટે ડ્રેસકોડ નક્કી કરવાનું કામ બોર્ડનું નથી.
અત્રે નોંધનીય છે કે, હાલમાં CBSE બોર્ડના પરીક્ષાર્થીઓને તેઓનાં પ્રમાણપત્રો DGલોકર પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હવેથી બોર્ડની સામાન્ય સભામાં લેવાયેલાં નિર્ણય પ્રમાણે, બોર્ડના પરીક્ષાર્થીઓને પણ આ સુવિધા આપવા માટેની કવાયત હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત બોર્ડની સામાન્ય સભામાં આગામી નાણાકીય વર્ષ 2023-24 માટેનું બોર્ડનું રૂ.186.82 કરોડનું અંદાજપત્ર પણ મંજૂર કરવામાં આવ્યું હતું. ગ્રાન્ટેડ શાળાઓમાં કોમ્પ્યુટરની ફી હાલ 50 રૂપિયા છે, જે વધારીને રૂ.150 કરવા માટેની દરખાસ્ત બોર્ડે સરકારમાં મંજૂરી માટે મોકલવા આ સામાન્ય સભામાં નિર્ણય લીધો હતો.