Mysamachar.in: જામનગર
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ ગત્ મે માસના અંતથી ધંધાકીય એકમો સીલ કરવાની કાર્યવાહીઓ થઈ રહી છે. આ સિલિંગ કાર્યવાહીઓ ફાયર NOC તથા BU પરમિશન મુદ્દે થઈ રહી છે પરંતુ આ અંગે તંત્ર તરફથી જરૂરી સ્પષ્ટતાઓ થઈ ન હતી, તેથી લોકોમાં તથા ધંધાર્થીઓમાં ઘણાં દિવસોથી પ્રશ્નો અને મૂંઝવણો તથા નારાજગીઓ પણ રહી. હવે તંત્રએ સ્પષ્ટતાઓ કરી છે.

જામનગર મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976 તથા તે હેઠળ અમલીકૃત CGDCRની જોગવાઈઓ મુજબ ઈમારત/ મિલકત માટે બાંધકામ વપરાશ પ્રમાણપત્ર (BU) લેવાનું રહે છે. તથા ધી ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ એક્ટ-2013 તથા તે હેઠળના નિયમો-2014 તેમજ રેગ્યુલેશન-2023ની જોગવાઈઓ અનુસાર ફાયર NOC લેવાનું રહે છે.

કોર્પોરેશન વધુમાં કહે છે: ઉપરોકત જોગવાઈઓ અનુસાર, જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી અને ઉપરોકત કાયદાકીય જોગવાઇઓને પાત્ર તમામ ઈમારત અને મિલ્કતધારકોએ BU પરમિશન લેવા પાત્ર એકમ/સંકુલ માટે BU પરમિશન અને ફાયર NOC લેવાપાત્ર એકમોએ ફાયર NOC મેળવી લેવાના રહેશે તેમજ જેઓએ આ પ્રમાણપત્રો મેળવેલ નથી તેઓ પર કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવશે.
