Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક જ્યારથી ટોલબુથ શરુ થયું છે,ત્યારથી અહી કોઈ ને કોઈ બાબતો ને લઈને આ ટોલનાકું ચર્ચામાં રહે છે, આવું જ વધુ એક વખત ટોલ નાકા પર બન્યું છે, અહીં ટોલ ભરવાની બાબતે થયેલી બબાલ અચાનક એટલી ઉગ્ર બની ગઈ કે ટોળાએ ટોલબૂથના કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મહિલા કર્મચારી પણ ઘાયલ થયા છે. ખંભાળિયા પાસે આવેલા ટોલ નાકા પર ટોલ ભરવા મુદ્દે બોલાચાલી થયા પછી મામલો ઉગ્ર બન્યો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ બબાલમાં વાહનમાં સવાર 15 જેટલા લોકોએ ટોલબૂથના કર્મચારીઓ પર પાઈપથી હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા કર્મચારીઓ પણ ઘાયલ થયા છે.
ટોલબૂથ પર થયેલી બબાલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક વ્યક્તિને એક ટોળું ખેંચીને લઈને જાય છે અને પછી માર મારવાનું શરુ કરે છે. આ દરમિયાન બે મહિલા કર્મચારીઓ પોતાના સાથી કર્મચારીને બચાવવા તથા મામલાને શાંત પાડવા માટે વચ્ચે પડે છે. આ દરમિયાન ટોળું આવેશમાં આવીને મહિલા કર્મચારીઓ પર પણ હુમલો કરી દે છે. હુમલામાં ઘાયલ થયેલા ટોલબૂથના ત્રણ કર્મચારીઓને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે, જોકે, ચોક્કસ કારણ શું છે તે તપાસ બાદ સામે આવશે. હાલ પોલીસ સીસીટીવીના ફૂટેઝ અને કર્મચારીઓના નિવેદન સહિતની પ્રક્રિયાઓ કરી રહી છે.