સામાન્ય રીતે ગુજરાતી મહિનાઓ શ્રાવણ-ભાદરવો એટલે કે, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં, ચોમાસા બાદની સ્થિતિઓને કારણે પાણીને કારણે તથા મચ્છરને કારણે જનરલ રોગચાળો જોવા મળતો હોય છે અને તેમાં સાથેસાથે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. જામનગર શહેર અને જિલ્લામાં આ રીતે હાલ ઓવરઓલ રોગચાળો જોવા મળી રહ્યો છે ખરો પરંતુ સ્થિતિઓ ગંભીર નથી છતાં સાવચેતી જો કે જરૂરી બની જતી હોય છે.
આરોગ્ય સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, જીજી હોસ્પિટલમાં તાવ-શરદી અને ઉધરસ જેવા રોગોની OPD વધી છે અને કેટલાંક દર્દીઓને સારવાર માટે દાખલ પણ કરવા પડી રહ્યા છે. જો કે, મેડિકલ કોલેજ કેમ્પસ હાલની સ્થિતિએ ડેન્ગ્યુમુક્ત બની ગયું છે.
આ ઉપરાંત કોર્પોરેશન આરોગ્ય સત્તાવાળાઓ જણાવે છે કે, હાલના સમયમાં બને તો ડંકી કે બોર મારફતે મેળવાતા રો વોટર એટલે કે ભૂગર્ભજળનો ઉપયોગ ટાળવો જોઈએ અને કોર્પોરેશન મારફતે આપવામાં આવતાં કલોરિનેટેડ પીવાના પાણીનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ ઉપરાંત કોર્પોરેશન કહે છે: ગત્ સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યુના 6 અને મેલેરિયાનો 1 કેસ તથા ચિકનગુનિયાના શૂન્ય કેસ ધ્યાન પર આવ્યા છે. કોર્પોરેશન હસ્તક શહેરના નગરસીમ વિસ્તારોમાં જ્યાં વરસાદી પાણી ભરાયા હોય ત્યાં જંતુનાશક દવા છંટકાવ વગેરે કામગીરીઓ પણ થઈ રહી હોવાનો સત્તાવાળાઓનો દાવો છે. જો કે, નગરજનોએ રોગચાળા સંબંધે ખુદે સાવચેતી રાખવી વધુ જરૂરી બની છે.
આ સાથે જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારીએ જણાવ્યું કે, ગત્ ઓગસ્ટ માસમાં ડેન્ગ્યુના 114 કેસ તથા મેલેરિયાના 12 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી.